મુંબઈ હાઈકોર્ટે નગીનદાસ સંઘવીના પુસ્તક ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતી પુસ્તક મહામાનવ શ્રી કૃષ્ણની રાજકોટના કે.પ્રકાશન દ્વારા પ્રકાશિત આવૃત્તિ પર પ્રતિબંધ મુકાયો છે. આ પુસ્તક મૂળભૂત રીતે આર.આર.શેઠ પ્રકાશન દ્વારા 30 વર્ષ પહેલા 1991માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એ આવૃત્તિ પ્રમાણે લેખકોના નામ જ્યોત્સનાબહેન તન્ના અને નગીનદાસ સંઘવી છે. એટલે કે મુખ્ય લેખક જ્યોત્સનાબહેન છે. પરંતુ રાજકોટના કે.પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં જ્યોત્સનાબહેનનું નામ લેખક તરીકે હટાવી દેવાયું હતું. નગીનદાસનું નામ આગળ મુકી દેવાયું હતું. તેના કારણે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે રાજકોટ આવૃત્તિ પર પ્રતિબંધ મુક્યો છે.

આ અંગે માહિતી આપતા જ્યોત્સનાબહેને કહ્યું હતું કે ‘પુસ્તક 30 વર્ષથી અમારા સંયુક્ત નામે પ્રગટ થતું આવ્યું છે. પરંતુ રાજકોટવાળા ભાઈએ મારી સહમતી વગર પ્રગટ કરી દીધું. મેં તેમને વારંવાર આ અંગે ખુલાસા પૂછ્યા પરંતુ તેમણે સંતોષકારક જવાબ આપ્યા નહીં. એટલે મારે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા. આજે કોર્ટે એ આવૃત્તિ પર સ્ટે આપ્યો છે.’

કે.પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તકની પ્રસ્તાવનામાં લખાયું છે આ પુસ્તક પ્રગટ કરવા નગીનદાસ દ્વારા લેખીત સહમતી અપાઈ હતી. એ પછી નગીનદાસ ગયા વર્ષે અવસાન પામ્યા હતા. વધુમાં આ પુસ્તક જ્યોત્સનાબહેનના આર્થિક સહયોગથી પ્રગટ થયું હોવાથી તેમનું નામ મુકાયુ છે, એવી પણ વાત પ્રસ્તાવનામાં હતી.

મૂળ પ્રકાશક આર.આર.શેઠના. ચિંતનભાઈએ જણાવ્યું હતું કે ‘આ પુસ્તક ખુબ લોકપ્રિય છે. અમે તેને 6 વખત પ્રગટ કરી ચૂક્યા છીએ. અમારી આવૃત્તિ અસલ છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી. એટલે પુસ્તક પર પ્રતિબંધ એવા સોશિયલ મીડિયામાં ફરતા મેસેજીસ ગેરમાર્ગે દોરનારા છે. પુસ્તકની કે.પ્રકાશન દ્વારા પ્રકાશિત આવૃત્તિ પર પ્રતિબંધ મુકાયો છે.’

કે.પ્રકાશનના સંચાલક યોગેશ ચોલેરાએ આ સમગ્ર વિવાદ અંગે કહ્યું હતું કે ‘મેં જ્યોત્સનાબહેન સાથે વાત કરી લીધી છે અને હવે અમે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. હવે અમારી વચ્ચે કોઈ વિવાદ રહેશે નહીં. એ માટે અમે આઉટ ઓફ કોર્ટ સમાધાન કરવા જઈ રહ્યા છીએ.’