ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદ માટે શક્તિસિંહ ગોહિલનું નામ મોખરે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ માટે દિલ્હીમાં કોંગ્રેસના મોવડી મંડળમાં ભારે ગડમથલ ચાલી રહી છે. જેમાં રાજસભાના સંસદ શક્તિસિંહ ગોહિલનું નામ મોખરે હોવાનું જાણવા મળે છે.હાલ શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે.

ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રીના પગલે કોઈ શિક્ષિત નેતાને પ્રમુખપદ આપવા વિચારણા ચાલી રહી છે જેમાં શક્તિસિંહ ગોહિલ મોવડીમંડળની પ્રથમ પસંદગી બની શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હાલમાં ગુજરાતને લઈ વધારે ગંભીર બની ગયું છે. શક્તિસિંહ ગોહીલને પ્રમુખની જવાબદારી મળે તે માટે સ્વ. અહેમદ પટેલનું હાલમાં સક્રીય ગ્રુપ સતત રજૂઆત કરી રહ્યું છે.

બીજી તરફ અમિત ચાવડા અને પરેશ ધાનાણને નહીં બદલવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. શક્તિસિંહ ગોહીલ સામે બિહારમાં કોંગ્રેસના થયેલા સૂપડા સાફને લઈ ભારે વિવાદ ઉભો થયો હતો અને હાલ શક્તિસિંહને આ વિવાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનવાની આડે આવી શકે એમ છે.

જોકે, શક્તિસિંહ ગોહીલ ગાંધી પરિવારની નજીક નજીકના મનાય છે અને અન્ય કોઈ અવરોધ ન આવે તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે શક્તિસિંહ ગોહીલનું નામ રેસમાં સૌથી આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે.