જ્યોતિરાદિત્ય સિંધિયાની મોદી કેબિનેટમાં એન્ટ્રી પાક્કી, પિતાની જેમ મળી શકે છે રેલ મંત્રાલય

રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રવેશ મેળવશે તે નિશ્ચિત છે. માનવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને પોતાનાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરી શકે છે, જેમાં સિંધિયાને પણ સ્થાન આપવામાં આવશે. એવી સંભાવના છે કે તેમને રેલવે અથવા માનવ સંસાધન જેવા મહત્વપૂર્ણ વિભાગ આપવામાં આવશે.

સિંધિયા તરફી વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ મહિનામાં મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. આમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને સામેલ કરવાનું લગભગ નિશ્ચિત છે. તેમણે દાવો કર્યો હતો કે સિંધિયાને રેલ્વે મંત્રાલય મળી શકે છે. તેમની સક્રિય પ્રધાનની છબી જોતાં સિંધિયાને માનવ સંસાધન અથવા શહેરી વિકાસ મંત્રાલય પણ આપી શકાય છે.

લગભગ 15 મહિના પહેલા સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમના પક્ષપટથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી. આ પછી શિવરાજસિંહ ચૌહાણ નવા મુખ્યમંત્રી બન્યા અને સિંધિયા તરફી ધારાસભ્યોને તેમના પ્રધાનમંડળમાં સામેલ કર્યા. ત્યારબાદથી સિંધિયાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સામેલ કરવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.