કેપ્ટન અમરિંદર સામે બળવો, 24 ધારાસભ્યોનાં દિલ્હીમાં ધામા

કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ સંભાળી લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક ૩ સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે.

કોંગ્રેસના આશરે ૨ ડઝન જેટલા ધારાસભ્યો જેમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ ઝાખડ, મંત્રી ચરણજીત ચન્ની, સુખજિંદર સિંહ રંધાવાનો પણ સમાવેશ થાય છે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા ન કરવાના આરોપો બાદ કોંગ્રેસી ધારાસભ્યોએ પોતાની સરકાર સામે સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આ તમામ ધારાસભ્યો સતત કેપ્ટન અમરિંદર સિંહને લઈ સવાલ કરી રહ્યા છે.

કેન્દ્રીય હાઈકમાન્ડે ૩ સદસ્યોની જે પેનલ બનાવી છે તેની આગેવાની હરીશ રાવત કરી રહ્યા છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગે અને જેપી અગ્રવાલ પણ તેમાં સામેલ છે. તેઓ સોમવારથી પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો, મંત્રીઓને મળવાનું શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી બાદથી જ પંજાબ કોંગ્રેસમાં અણબનાવની ખબરો સંભળાઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુ સતત કેપ્ટન અમરિંદર સિંહ વિરૂદ્ધ મોરચો માંડી રહ્યા છે. સંગઠનના અનેક નેતાઓએ પણ કેપ્ટનની સરકાર સામે સવાલ કર્યા છે. આ સંજોગોમાં આગામી વર્ષે જ્યારે રાજ્યમાં ચૂંટણી થવાની છે તો તેના પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવામાં લાગ્યું છે.