ઈમરજન્સી હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ રૃપિયા છૂટા કરાયાઃ RBI ગવર્નર શશીકાંત દાસ

રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ઈમરજન્સી હેલ્થ સેવા માટે પ૦ હજાર કરોડ રૃપિયા છૂટા કરાયા છે. રિઝર્વ બેંકએ વ્યક્તિગત લોન લેનારાઓ અને એમએસએમઈ માટે વન ટાઈમ રિસ્ટ્રકચરીંગને સપ્ટેમ્બર ર૦ર૧ સુધી લંબાવ્યું છે. દાસે સ્વીકાર્યું કે બીજી લહેરથી અર્થતંત્રને નુક્સાન થતાં કોરોનાને નાથવા વધુ કડક પગલાં જરૃરી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસએ આજે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું અને કેટલાક એલાનો કર્યા હતાં. આ દરમિયાન તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે, કોરોનાની બીજી લહેરથી દેશના અર્થતંત્રને નુક્સાન થયું છે અને બીજી લહેરને નાથવા માટે આકરા પગલાંની જરૃર છે. તેમણે આજે સવારે જણાવ્યું હતું કે, એવી આશા રાખવામાં આવે છે કે, આગામી ચોમાસુ સારૃ જશે અને તેનાથી મોંઘવારી ઘટશે અને અર્થતંત્ર ફરી દોડતું થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સારા ચોમાસાથી ગ્રામીણ ક્ષેત્રે ડિમાન્ડ વધશે જેની સાનુકૂળ અસર થશે, જ્યારે મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં સુધારો થતો જાય છે. રિઝર્વ બેંકના ગવર્નરએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે પ૦ હજાર કરોડ રૃપિયા છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વ્યક્તિગત અને એમએસએમઈને વન ટાઈમ રિસ્ટ્રક્ચરીંગ માટે ૩૦ સપ્ટેમ્બર ર૦ર૧ સુધી છૂટ આપવામાં આવી છે. જ્યારે ૧.૦ રિસ્ટ્રક્ચરીંગ હેઠળ મોરેટીયમનો પિરિયડ લંબાવી બે વર્ષનો કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, હેલ્થ માટે જે રકમ છૂટી કરવામાં આવી છે તેનાથી બેંકો વેક્સિન ઉત્પાદકો, મેડિકલ સુવિધાઓ, હોસ્પિટલો અને દર્દીઓને મદદ કરી શકાશે. આ સ્કીમ હેઠળ બેંકો કોવિડ લોન બુક ઊભી કરશે.