પશ્ચિમ બંગાળમાં વટથી ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા મમતા બેનર્જીઃ રાજ્યપાલે લેવડાવ્યા શપથ

મમતા બેનર્જીએ બુધવારના ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ જગદીશ ધનખડેએ તેઓને શપથ અપાવ્યા હતાં. મમતાના મંત્રીમંડળના લોકો ૬ મે ના શપથ લેશે. દીદીનો આ કાર્યક્રમ ટાઉનહોલમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં આશ્ચર્યજનક વાત એ હતી કે, રાજ્યપાલની ચેતવણી અને મમતાનું રિએક્શન શપથગ્રહણ પછી રાજ્યપાલ જગદીશ ધનખડે મમતાને સમાજવતા કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી હિંસા તુરતં બંધ થવી જોઈએ. ત્યારપછી મમતાએ કહ્યું કે, અત્યારે રાજ્યની વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે હતી. હવે હું નવી વ્યવસ્થા શરૃ કરીશ.

મમતાએ શપથ ગ્રહણ પછી કહ્યું કે, અતયારે પ્રાથમિક્તા કોવિડ સામે લડાઈ જીતવામાં છે. તેમણે બંગાળમાં ચાલતી હિંસા વિશે કહ્યું કે, બંગાળની જનતા હિંસા પસંદ નથી કરતી. હિંસા ફેલાવનાર લોકોને છોડવામાં નહીં આવે. આજ પછી હિંસાની ઘટના ના થવી જોઈએ. રાજ્યપાલ જગદીશ ધનખડે કહ્યું કે, આશા છે કે, મમતા બેનર્જી બંધારણનું પાલન કરશે. અમે ઈચ્છીએ છીએ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય અને આ હિંસા તુરંત બંધ થવી જોઈએ.

શપથ લીધા પછી દીદી રાજ્ય સચિવાલય જવા માટે નીકળી ગયા હતાં. મમતાની શપથવિધિમાં બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની સાથે પ્રશાંત કિશોર, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, લેફ્ટિસ્ટમાંથી બિમાન બોસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતાં, પરંતુ તે ત્રીજીવાર બંગાળના સીએમ તરીકે શપથ લઈ લીધા છે, જો કે ૬૬ વર્ષિય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ ર૦ મે ર૦૧૧ ના પ્રથમવાર અને ર૭ મે ર૦૧૬ ના બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં.

ભાજપે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થાનું સંતુલન જાળવવા માટે કેન્દ્રના દળો ત્યાં ગોઠવવાની પણ માંગ કરી હતી. તેની સાથે આ હિંસાની તપાસ સીબીઆઈને સોંપવાની પણ માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મંગળવારે હિંસાનો શિકાર બનેલા ભાજપના કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં થઈ રહેલી ઘટનાઓનો વિરોધ પણ પ્રગટ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પણ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે કાયદાકીય વ્યવસ્થા અંગે ચિંતા પ્રગટ કરી હતી. રાજ્યમાં ભાજપના ૩૦૦ કાર્યકર્તાઓ અને નેતાઓએ આસામમાં સ્થળાંતર કર્યું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ ઘટનાઓના પગલે મમતા બેનર્જી રાજકીય રીતે ઘેરામાં સપડાઈ ગયા હોય એમ જણાઈ રહ્યું છે, જો કે તેઓએ રાજકીય શાંતિ બનાવી રાખવા માટે લોકોને અપીલ કરી હતી અને પોતાના કાર્યકર્તાઓ પર પણ હુમલાઓ થયા હોવાની વાત ઉચ્ચારી હતી.