મહાચમત્કાર :25 વર્ષીય માતાએ એકસાથે નવ બાળકોને જન્મ આપ્યો

વેસ્ટ આફ્રિકાના માલી દેશમાં ૨૫ વર્ષીય માતાએ એકસાથે નવ બાળકોને જન્મ આપ્યો છે. મંગળવારે મોરોક્કોની હોસ્પિટલમાં તમામ બાળકોનો જન્મ સિઝેરિયન ડિલિવરીથી થયો અને હાલ માતા તથા પાંચ દીકરીઓ અને ચાર દીકરાઓ એકદમ સ્વસ્થ છે. મોરોક્કોની ઓથોરિટીએ આ એક્સટ્રિમલી રેર ઘટનાની માહિતી આપી છે.

૨૫ વર્ષીય હલીમા સિઝે વેસ્ટ આફ્રિકામાં માલી દેશમાં રહે છે. તે ૩૦ માર્ચના રોજ સારી સારવાર માટે મોરોક્કો શિફ્ટ થઇ હતી. સોનોગ્રાફીમાં સાત બાળકોની ઓળખ થઇ હતી. ગર્ભમાં ૭ બાળકોને જોઇને ડૉક્ટર અને હલીમાને ઘણી નવાઈ લાગી હતી. જ્યારે હલીમાએ ૯ બાળકોને જન્મ આપ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

મોરોક્કોના હેલ્થ મિનિસ્ટ્રીનાં સ્પોક્સ પર્સને રશીદ કોઢારીએ કહ્યું, દેશની એક હોસ્પિટલમાં મલ્ટિપલ બર્થ થયો છે. માતા તથા દરેક બાળકોની તબિયત સારી છે. માલીના હેલ્થ મિનિસ્ટર ફેન્ટા સિબીએ જણાવ્યું, હાલ તે ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. થોડા અઠવાડિયાં પછી તેમને રજા આપવામાં આવશે.અલ્ટ્રાસાઉન્ડમાં ૭ બેબી હોવાનું માલુમ પડ્યું હતું, પણ ૯ બાળકોના જન્મથી બધાને સરપ્રાઈઝ મળી છે. અમે મોરોક્કોના ડૉક્ટર્સના આભારી છીએ.

૯ બાળકોનો એકસાથે જન્મ એ મેડિકલ હિસ્ટ્રીમાં રેરેસ્ટ ઓફ રેર ઘટના છે. મોરોક્કોમાં પ્રથમવાર એકસાથે આટલા બધા બાળકોનો જન્મ થયો છે. વર્ષ ૧૯૭૧માં ઓસ્ટ્રેલિયન મહિલા ગેરેડલિન બ્રોડરિકે સિડનીમાં ૯ બાળકોને એકસાથે જન્મ આપ્યો હતો.