ગુજરાતમાં મીની લોકડાઉન કે સંપૂર્ણ કર્ફ્યુ? મુખ્યમંત્રીએ હાઈકોર્ટના નિર્દેશ અંગે સુરતમાં શું કહ્યું..

સુરતમાં કોરોનાની સ્થિતિ વિક્ટ બનતા મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી આવ્યા હતા અને તેમણે હાઈલેવલ મીટીંગ યોજી હતી. ત્યાર બાદ તેમણે પત્રકારો સાથે વાત કરી હતી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અઠવાડિયામાં ચાર દિવસના લોકડાઉન અને કર્ફયુ અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે તે અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાઇકોર્ટના નિર્દેશ અંગે ભવિષ્યમાં નિર્ણય લેવાશે.હાલ લોકડાઉનની શક્યતાને તેમણે નકારી કાઢી હતી.

સુરતમાં મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સુરતમાં ખાનગી નર્સિંગ હોમને કોવિડની સારવારની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત સુરતમાં 800 બેડ વધારવામાં આવશે.

તેમણે જણાવ્યું કે સુરતને નવા 300 વેન્ટિલેટર આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલને પણ જથ્થો અપાશે, સરકારી હોસ્પિટલમાં મફત આપવામાં આવશે. રેમડેસિવિર ઈન્જેકશનની માંગને પહોંચી વળવા સરકારે ત્રણ લાખનો ઓર્ડર આપ્યો છે.આજે 2500 રેમડેસિવિર સુરતમાં પહોંચશે.