વાગરામાં થપ્પડ કાંડ : મામલતદારે દુકાનદારને તમાચો મારી રોફ જમાવ્યો, મહિલા સામે ગાળો પણ ભાંડી

વાગરા તાલુકા મામલતદારની અસભ્યતાનો આ વીડિયો તમને હેરાન કરશે…. આંખો પર ચશ્મા, મોઢા પર માસ્ક, ટી શર્ટ – પેન્ટ સાથે જાણે હીરોગીરી બતાવતા દુકાનદાર ના ગાલ પર લપડાક કરતા લાફો ઝીંકી દે છે.. એટલું જ નહિ પણ ગાળો બોલીને સભ્યતા અને પદ પર લાંછન લગાવતી આ ઘટનામાં મામલતદાર અધિકારીની ગુંડાગીરી સાફ નજરે પડી રહી છે.

એક સામાન્ય દુકાન દાર સામે રોફ જમાવી અને દબંગાઈ કરતો આ વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ વાગરા તાલુકાનો પ્રથમ નાગરિક મામલતદાર છે.. મામલતદાર અધિકારી આમ તો જનતાની સેવા માટે હોય છે પણ સરકારી બાબુ કોઈ ફિલ્મના હીરોની જેમ હીરોગીરી કરતા જોવા મળે છે. કોરોના મહામારી વચ્ચે કોરોના ડ્રાઈવમાં નીકળતા મામલતદાર આગળ પાછળ પોલીસની ગાડીઓ સાથે દબંગ અધિકારીની છાપ ઊભી કરવા નીકળી પડે છે. માત્ર દંડ નહિ દાદાગીરી અને હાથાપાઈ કરતા પણ ખચકાતા નથી મામલતદાર અધિકારી…

વીડિયોમાં દૃશ્યમાન પરિસ્થિતી મામલતદાર અધિકારીના સ્વભાવને જાહેર કરે છે. કરિયાણાની દુકાન ધરાવતા ઓમ પ્રકાશને મામલતદાર અધિકારી જોરથી તમાચો મારી ઊંચા અવાજે પોતાની ઓળખ આપે છે… સવાલ એ છે કે મામલતદાર સાહેબને હિંસા કરવાનો અધિકાર આપ્યો કોણે? મામલતદાર સાહેબ નિર્દોષ વેપારી સામે રોફ જમાવી સાબિત શું કરવા માંગે છે? કેમ એક સરકારી અધિકારી, તાલુકાના પ્રથમ નાગરિક અને એક સભ્યતાની મિસાલ કાયમ કરવાના બદલે અસભ્ય અને ગેરવર્તન કરી અભદ્ર ભાષા વાપરી શું લોકોમાં ડર ઉભો કરવામાં માંગે છે?

થપ્પડ કાંડમાં મામલતદાર એટલી હદે ભાન ભૂલી ગયા હતા કે, દુકાન માં મહિલાની હાજરીમાં જ ગાળ બોલી પ્રથમ નાગરિકની ગરિમાને કલંકિત કરી છે. દુકાનમાં સ્ત્રી સામે જ ના સાંભળી શકાય તેવી ગાળ બોલી પરપ્રાંતીય સામે હોદ્દાનો રોફ જમાવવા ની કોશિશ કરે છે… મામલતદારની આ વ્યાહર કેટલો વ્યાજબી અને સહનીય છે… આ પહેલા પણ સાહેબ માસ્ક ના નામે દંડ વસૂલવામાં વ્હાલા દવલાની નીતિ રાખતા હોવાનો આક્ષેપ થઈ ચૂક્યો છે. તો શું સામાન્ય જનતા સામે હિંસક રૂપ બતાવી દબંગ છાપ બતાવવાનો આ પ્રયાસ… પર પોલીસ પ્રશાસન કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહેશે.