જસ્ટિસ એન.વી. રમના ભારતના આગામી ચીફ જસ્ટિસ બનશે, જાણો તેમના વિશે વધુ…

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એન.વી. રમનાને ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. આગામી 23 એપ્રિલના રોજ નિવૃત્ત થનારા ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. જે રાષ્ટ્રપતિએ સ્વિકારી છે.

ન્યાયાધીશ નથાલપતિ વેંકટ રમનાનો જન્મ 27 ઓગસ્ટ, 1957ના રોજ આંધ્રપ્રદેશના પોન્નવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ સાયન્સ અને લૉમાં સ્નાતક થયા અને તેમના પરિવારમાં પ્રથમ વકીલ બન્યા હતા.

જસ્ટિસ એન.વી. રમનાએ 10 ફેબ્રુઆરી 1983ના રોજ બાર કાઉન્સિલમાંથી સનદ મેળવીને વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. જ્યારબાદ તેમણે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આંધ્રપ્રદેશ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને ભારતના સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી છે. તેઓ ભારતીય રેલ્વે સહિત વિવિધ સરકારી સંગઠનોના પેનલ એડવોકેટ હતા અને આંધ્રપ્રદેશ રાજ્યના અધિક એડવોકેટ જનરલ તરીકે પણ કાર્યરત હતા. તેઓ સિવિલ અને ક્રિમિનલ પ્રેક્ટિસમાં પાવરધા છે અને બંધારણ, શ્રમ, સેવા, આંતર-રાજ્ય નદી વિવાદો અને ચૂંટણીઓ સંબંધિત બાબતોમાં વકીલાતનો અનુભવ ધરાવે છે.

તેમણે ન્યાયિક કાર્યવાહીમાં પારદર્શિતાને ટેકો આપ્યો છે અને કોર્ટ કાર્યવાહીમાં પ્રાદેશિક ભાષાને લાગુ કરવા પર પણ સંમતિ દર્શાવી છે. તેઓ માને છે કે, સુનવણી દરમિયાન ગ્રામીણ અરજદારો પણ કોર્ટની કાર્યલાહી સમજી શકે અને તેમાં યોગ્ય રીતે ભાગ લઈ શકે તે માટે આ ફેરફારો કરવા જોઈએ

તમને જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદ માટે ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ સુપ્રીમ કોર્ટના સિનિયર જજ જસ્ટિસ એન.વી. રમનાનું નામ મોકલ્યું હતું. યીફ જસ્ટિસ એસ. એ. બોબડે 23 એપ્રિલે નિવૃત્ત થવાના છે.