સુરતમાં કોરોનાની સ્થિતિ વકરતા CM-Dy.CM સુરત દોડી આવ્યા, ટ્રીપલ ટી પર ફોકસ કરવા ભાર મૂક્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

વધુમાં મુખ્યમંત્રીએ સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદ દર્શના જરદોશ, સુરતના ધારાસભ્યો, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સુરત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી.