અમિત શાહ અને યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી

 ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગૃહપ્રધાન અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ આ ધમકી CRPF(Central Reserve Police Force)ની મુંબઇ ઓફિસને આજે મંગળવારે ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગૃહપ્રધાન અમિત શાહને અગાઉ પણ પ્રજાસત્તાક દિન પર બોમ્બથી મારી નાખવાની ધમકી મળી હતી.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીમાં તેમને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ નંબર પરના મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે 24 કલાકની અંદર એકે-47થી તેમને મારી નાખશું. પોલીસને તુરંત તપાસ કરતાં આરોપીની આગ્રાથી ધરપકડ કરવામાં આવી હતી. મેસેજ મોકલનાર વ્ચક્તિ સગીર હતો. આ કેસમાં પણ આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે આ પહેલો કેસ નથી જ્યારે મુખ્યપ્રધાન યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા પણ ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં આગ્રામાં મુખ્યપ્રધાન યોગીને ધમકી આપવાના બે અલગ અલગ કેસ નોંધાયા હતા. આ સિવાય મે મહિનામાં પણ મુખ્યપ્રધાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકીઓ પહેલા પણ મળી હતી. પહેલાથી જ મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ આતંકવાદીઓના નિશાના પર રહ્યા છે.