સુરત: એંગ્લોની ચૂંટણીમાં આ ત્રિપુટીએ ગોઠવેલી વ્યૂહરચનાનાં કારણે કેપી ખિદમત પેનલનો થયો ભવ્ય વિજય

ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)ની ચૂંટણીમાં રુલીંગ પેનલની કારમી હાર થઈ અને સમગ્ર રુલીંગ પેનલના સૂપડા સાફ થયા તેની પાછળ સુરતના મુસ્લિમ સમાજની ત્રણ મોભાદાર વ્યક્તિઓની સ્ટ્રેટેજી કામ કરી ગઈ હતી. આ વ્યૂહરચનામાં રુલીંગ પાર્ટી પેનલના તમામ ઉમેદવારો કેપી ખિદમત પેનલની સામે જરા પણ ટકી શક્યા ન હતા.

કેપી ગ્રુપના માલિક ફારુક પટેલ, સુરત હલાઈ મેમણ જમાતના પ્રમુખ ઈલ્યાસ કાપડીયા(ઈલ્યાસ ભા) અને એંગ્લોના પૂર્વ પ્રમુખ તથા સિનિયર એડવોકેટ નસીમ કાદરી દ્વારા કેપી ખિદમત પેનલને જીતાડવા માટે મુસ્લિમ સમાજના દરેક મંડળો અને એંગ્લોના લાઈફ મેમ્બરો સુધી રુબરુ અને ફોન કોલ તથા કૂરિયર દ્વારા સાહિત્ય પહોંચાડવાની વ્યૂહરચના બનાવવામાં આવી હતી.

નસીમ કાદરીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવા છતાં માંદગીના બિછાનેથી પણ તેમણે કેપી ખિદમત પેનલને જીતાડવા માટે કોઈ કસર બાકી રાખી ન હતી. તેઓ ફોન પર સતત લાઈફ મેમ્બરો અને ઉમેદવારોના સંપર્કમાં રહ્યા હતા.

જ્યારે ફારુક પટેલ(ફારુક કેપી)ની સમગ્ર ટીમે ચૂંટણી તંત્રને સતત દોડતું રાખ્યું હતું અને વોટર સુધી પહોંચવામાં કોઈ કચાશ બાકી રાખી હતી.

ઈલ્યાસ કાપડીયા(ઈલ્યાસ ભા)ની યુવા મેમણ સમાજની ટીમે વિજય માટે ભરચક પ્રયાસો કર્યા અને એડી-ચોટીનું જોર લગાવી દીધું હતું. આ ઉપરાંત મુસ્લિમ સમાજના અન્ય આગેવાનોએ પણ કેપી ખિદમત પેનલના વિજયમાં સિંહફાળો આપ્યા હતો અને લાઈફ મેમ્બરોએ કેપી ખિમદત પેનલને ભવ્ય વિજય અપાવ્યો હતો.