પ્રથમ ટી-20માં ઈંગ્લૅન્ડે ભારતને આઠ વિકેટથી હરાવ્યું

ઈંગ્લેન્ડે ૧૨૫ રનના લક્ષ્યને સરળતાથી પાર કરીને પાંચ મેચની સીરિઝમાંથી પ્રથમ ટી-૨૦ મેચમાં શુક્રવારે વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડે ૧૫.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવી ભારતને ૮ વિકેટથી હરાવ્યું હતું. ડેવિડ માલને સુંદરની નબળી

બોલમાં છગ્ગો ફટકારી વિજય નોંધાવ્યો હતો. હવે ઈંગ્લેન્ડને ૧-૦થી લીડ મળી છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપ્યું હતું અને યજમાન ટીમ સાત વિકેટ ગુમાવી ૧૨૪ રન કર્યા હતા.

અહીં રમાયેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટી-૨૦માં પ્રથમ બેટિંગમાં ઊતરેલી ભારતની ટીમે શ્રેયસ ઐય્યર (૬૭ રન), રિષભ પંત (૨૧ રન), હાર્દિક પંડ્યા (૧૯ રન)ની મદદથી નિર્ધારિત ૨૦ ઑવરમાં સાત વિકેટને ભોગે ૧૨૪ રન બનાવ્યા હતા. ઑપનિંગમાં આવેલો શિખર ધવન માત્ર ચાર રન અને કે. એલ. રાહુલ માત્ર એક રન બનાવીને પૅવેલિયન ભેગા થઈ ગયા હતા. કૅપ્ટન કોહલી ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયો હતો.

સ્કોર: ભારત: ૨૦ ઓવરમાં ૧૨૪/૭ (શ્રેયસ આયર ૬૭, જોફ્રા આર્ચર ૩/૨૩)

ઈંગ્લેન્ડ: ૧૩૦/૨ – ૧૫૩ ઓવરમાં (જેસન રોય-૪૯, વોશિંગ્ટન સુંદર ૧/૧૦, ચહલ, ૧/૪૪)