પત્નીને વ્યક્તિગત સંપત્તિ ગણીને પતિ સાથે રહેવા મજબૂર ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે, મહિલા કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી. કોર્ટે કહ્યું કે, પત્ની પર દબાણ કરીને તેને પતિ સાથે રહેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

મળતી માહિતી પ્રમાણે એક વ્યક્તિએ અરજી કરી હતી કે, કોર્ટ તેની પત્નીને આદેશ આપે કે તે ફરીથી તેના પતિ સાથે રહે.. આ અંગે જસ્ટીસ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની ખંડપીઠે કહ્યું કે, તમે શું વિચારો છો? શું સ્ત્રી કોઈની ગુલામ છે કે, અમે આવો આદેશ આપીશું? શું પત્ની વ્યક્તિગત સંપત્તિ છે? જેને તમારી સાથે જવા આદેશ આપી શકાય? આ સમગ્ર વિવાદના મૂળમાં વૈવાહિક અધિકારની પુનઃસ્થાપના માટેનો હુકમ છે, જે ગોરખપુરની ફેમિલી કોર્ટે ૨૦૧૯માં આપ્યો હતો.

મહિલાએ કહ્યું કે, ૨૦૧૩માં લગ્ન કર્યા બાદ તેના પતિએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો જેથી મજબૂરીમાં તે અલગ રહેવા લાગી. ૨૦૧૫માં જ્યારે ભરણ-પોષણ માટે કેસ કર્યો હતો ત્યારે ગોરખપુર કોર્ટે તેના પતિને મહિને ૨૦,૦૦૦ રૃપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પતિએ લગ્નના અધિકારની પુનઃસ્થાપના માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. લગ્નના અધિકાર પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવતા જ પતિ ફરીથી કોર્ટમાં ગયો હતો. આ વખતે તેનો વાંધો એ વાતનો હતો કે, જ્યારે તે તેની પત્ની સાથે રહેવા માટે તૈયાર છે, તો ભરણ-પોષણ શા માટે? જો કે, અલ્હાબાદ હાઈકોર્ટે તેમની અરજી નામંજૂર કરી કરતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પોતાના બચાવમાં મહિલાએ કહ્યું કે પતિની આ આખી ‘રમત’ ભરણ-પોષણથી બચવા માટે છે. મહિલાએ કહ્યું કે તેનો પતિ ફેમિલી કોર્ટ ત્યારે ગયો જ્યારે તેણે આવું કરવા માટે આદશે કરાયો હતો. મંગળવારે સુનાવણી દરમિયાન પતિના વકીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેની પત્નીને તેના પતિ સાથે પાછો મોકલવી જોઈએ, ખાસ કરીને ફેમિલી કોર્ટે પતિના પક્ષમાં ચુકાદો આપ્યો હોય. વારંવાર આ જ માંગણી કરતા કોર્ટે કહેવું પડ્યું હતું કે, *શું સ્ત્રી કોઈ અંગત મિલકત છે? શું પત્ની ગુલામ છે? તમે અમને ઓર્ડર આપવા માટે કહી રહ્યા છો કે જાણે તેણીને એવી જગ્યાએ મોકલી શકાય જ્યાં તે જવા ઇચ્છતી નથી, જેમ કે કોઈ ગુલામ’ ખંડપીઠે લગ્નના અધિકારને પુનઃ સ્થાપિત કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી.

વર્ષ ૨૦૧૮માં, ટોચની કોર્ટે પણ આવી જ ટિપ્પણી કરી હતી. ત્યારે પતિ સામે ક્રૂરતાની ફરિયાદ કરનારી એક મહિલાએ કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા નથી માંગતી. જ્યારે પતિએ કહ્યું કે તે તેની પત્ની સાથે રહેવા માંગે છે.