બે વર્ષમાં ગુજરાતમાં 14 હજારથી વધુ લોકોની આત્મહત્યાઃ રોજ ચારથી વધુ દૂષ્કર્મ

આજે બજેટ સત્રના પ્રારંભે ધારાસભ્યોના પ્રશ્નોના સરકારે જવાબ આપ્યા હતાં, તે દરમિયાન કેટલાક ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતાં. રાજ્યમાં દૂષ્કર્મ અને આત્મહત્યાના આંકડાઓ ચોંકવનારા જણાય છે.

ગુજરાતનું બજેટ સત્ર શરૃ થઈ ગયું છે અને વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના સરકાર જવાબો આપી રહી છે. તેવમાં વિધાનસભામાં ગુજરાત સરકારે બળાત્કાર, આપઘાત સહિતની ગુનાખોરીની ઘટનાઓ અંગે આંકડાઓ જાહેર કર્યા છે. આ તમામ આંકડાઓ ચોંકાવનારા છે. ગુજરાતમાં દૈનિક બળાત્કારની ચારથી વધુ ઘટનાઓ બને છે.

વિધાનસભામાં ગુજરાત સરકારે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બળાત્કારની દૈનિક ૪ કરતા વધુ ઘટનાઓ નોંધાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં દરરોજ બે લૂંટ, ૩ હત્યા અને ૩૦ ચોરીની ઘટનાઓ બને છે તેમજ રાજ્યમાં દૈનિક અપહરણની ૭ ઘટનાઓ અને આપઘાતના ર૦ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, અને ગુજરાતમાં બે વર્ષમાં બળાત્કારની ૩૦૯પ ઘટનાઓ બની છે.

આ ઉપરાંત સરકારે જાહેર કર્યું હતું કે, બે વર્ષમાં ૧પર૦ લૂંટ અને ૧૯૪૪ હત્યાના બનાવ બન્યા છે, તેમજ ગુજરાતમાં બે વર્ષમાં ૧૪,૪૧૦ લોકોએ આપઘાત કર્યો છે. બે વર્ષમાં હત્યાના પ્રયાસની ૧૮પ૩ ઘટના નોંધાઈ છે, જ્યારે બે વર્ષમાં રાયોટીંગના રપ૮૯ ગુનાઓ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. આકસ્મિક મૃત્યુના ર૭,૧૪૮, અપમૃત્યુના ૪૧,૪૯૩ બનાવો નોંધાયા, રાજ્યમાં ખૂનની કોશિશના ૧૮,પર૩ ઘટનાઓ નોંધાઈ, પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર ૪૦૪૩ આરોપીઓની ધરપકડ કરી.