પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરોમાં ઘટાડોઃ 6 કરોડ નોકરિયાતોને ફટકો

મોંઘા પેટ્રોલ-ડીઝલ, એલપીજીની વધતી કિંમતો અને સીએનજી, પીએનજીની મોંઘવારી પછી વધુ એક ઝટકો લાગશે. નાણાકીય વર્ષ ર૦-ર૧ માં ઈપીએફના વ્યાજમાં એક વાર ફરી ઘટાડો થવાનો છે. જો એવું બન્યું તો ૬ કરોડથી વધુ પગારદારને મોટો ઝટકો લાગશે. અત્યાર સુધીમાં ઈપીએફ સબ્સક્રાઈબર્સ જે ગયા વર્ષ સુધી વ્યાજ નહીં મળવા અંગે પરેશાન હતાં. હવે તેના પર ડબલ માર પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સંકટકાળમાં લોકોએ મોટી સંખ્યામાં ઈપીએફમાંથી ઉપાડ કર્યો છે. આ દરમિયાન પીએફમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેના લીધે ઈપીએફ દરોમાં ઘટાડો આવશે. નવા દરો પર નિર્ણય કરવા માટે આવતીકાલે ૪ માર્ચે ઈપીએફઓની બેઠક યોજાશે. આવા માહોલમાં દરોમાં ઘટાડો નક્કી કરવામાં આવશે.

નાણાકીય વર્ષ ર૦ર૦ માં ઈપીએફઓની કમાણી પર ખરાબ અસર પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈપીએફઓના ટ્રસ્ટી ઈ રઘુનાથને જણાવ્યું કે તેમને જણાવામાં આવ્યું છે કે ૪ માર્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક શ્રીનગરમાં યોજાશે. તેમને મળેલા ઈમેઈલમાં વ્યાજદરો અંગે કોઈ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.

ઉલ્લેખનિય છે કે, સરકારે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે ૮.પ ટકા વ્યાજનું એલાન કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ અગાઉ કહ્યું હતું કે, ૩૧ માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં બે ભાગમાં ૮.પ ટકા વ્યાજની ચૂકવણી કરવામાં આવશે, એટલે કે ૮.૧પ ટકા રોકાણથી અને ૦.૩પ ટકા વ્યાજની ચૂકવણી ઈક્વિટથી કરવામાં આવશે. નાણાકીય વર્ષ ર૦ર૦ માં ઈપીએફ પર ૮.પ ટકાનું વ્યાજ મળ્યું કે જે ૭ વર્ષમાં સૌથી ઓછું છે.

અગાઉ નાણાકીય વર્ષ ર૦૧૩ માં ઈપીએફ વ્યાજ દરો ૮.પ ટકા હતાં. ગયા વર્ષે માર્ચમાં ઈપીએફઓના વ્યાજને રિવાઈઝ કરવામાં આવ્યું હતું. એ પહેલા નાણાકીય વર્ષ ર૦૧૯ માં ઈપીએફ પર ૮.૬પ ટકા વ્યાજ મળતું હતું. ઈપીએફઓના નાણાકીય વર્ષ ર૦૧૮ માં ૮.પપ ટકા વ્યાજ આપ્યું હતું કે જે તેની પહેલા નાણાકીય વર્ષ ર૦૧૯ માં તે ૮.૮ ટકા હતું. એ પહેલા નાણાકીય વર્ષ ર૦૧૪ માં ૮.૭પ ટકા હતું.