નાની ઉંમરમાં મોટી સિદ્વિ: ટેબલ ટેનિસમાં સુરતની ફિલ્ઝા કાદરીએ રચી દીધો છે ઈતિહાસ

ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે નવલોહિયાઓ થનગનાટ કરી રહ્યા છે. અનેક પ્લેયર્સ વિવિધ રમતોમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે અને આવા પ્લેયરમાં સુરતની ફિલ્ઝા ફાતેમા કાદરીનું નામ સ્પોર્ટસ જગતમાં એક આશાસ્પદ પ્લેયર તરીકે લેવામાં આવી રહ્યું છે. 17 વર્ષીય ફિલ્ઝા કાદરીએ અનેક મેડલ જીતીને ટેબલ ટેનિસમાં સુરતને ગૌરવ અપાવ્યું છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં જુનિયર ગર્લ્સ ’કેટેગરી(2019-20)માં ફિલ્ઝા કાદરી નંબર- વન  છે. 2017 માં ગુજરાત રાજ્ય રેન્કિંગમાં ખિતાબ જીતનારી સૌથી યુવા પ્લેયર બની હતી.

ટેબલ ટેનિસમાં ફિલ્ઝા કાદરીએ સબ જુનિયર ગર્લ્સ કેટેગરીમાં ડિસેમ્બર, 2017 દરમિયાન ગોવા ટેબલ ટેનિસ નેશનલ  ચેમ્પિયનશીપમાં  બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, ત્યારબાદ સિંગલ્સ કેટેગરીમાં નેશનલમાં મેડલ જીતીને ગુજરાત ટેબલ ટેનિસ ઇતિહાસની પ્રથમ પ્લેયર બની હતી.

તેણે ફેબ્રુઆરી, 2018 માં મસ્કત-ઓમાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.

આ ઉપરાંત ફિલ્ઝાની ટેબલ ટેનિસ કરિયર પર નજર કરીએ તો ફેબ્રુઆરી, 2021માં ગાંધીધામ ખાતે યુથ કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે આ જ  ટુર્નામેન્ટમાં ફિલ્ઝા વુમન કેટેગરીમાં રનર્સ અપ રહી હતી.

આ સિવાય હરિયાણાના પંચકુલા ખાતે યોજાયેલી વુમન નેશનલ ચેમ્પિયનશિપ 2020માં  તેણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ફિલ્ઝાએ 2012થી ટેબલ ટેનિસમાં કરિયર બનાવવાનું શરુ કર્યું હતું. પિતા ઝહુર હુસૈન અને માતા મૈમુના કાદરીની એક માત્ર સંતાન એવી ફિલ્ઝાને શાળાકીય સ્પર્ધા દરમિયાનથી જ ટેબલ ટેનિસ રમવાનો શોખ જાગ્યો હતો. માતા-પિતાએ પુત્રીને સંપૂર્ણપણે પ્રોત્સાહન આપ્યું છે.