જામનગરના વરિષ્ઠ ૫ત્રકાર ગિરીશ ગણાત્રાના જુવાનજોધ પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૃણ મૃત્યુ

જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના મોટા પુત્ર ગુંજનભાઈ (ઉ.વ. ૩૦) નું ગઈકાલે રાત્રે બે મોટરસાઈકલ સામસામા અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કરૃણ મૃત્યુ નિપજતાં ગણાત્રા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

આ અકસ્માતની વિગતોમાં ગઈકાલે ગુંજનના બહેન વિભાબેન ભાયાણીની પુત્રી અર્થાત્ ગુંજનની ભાણેજનો જન્મ દિવસ હોવાથી ભાયાણી પરિવાર દ્વારા પારિવારિક રીતે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સાત કિ.મી. દૂર આવેલ હોટલ રજવાડુમાં બર્થ ડે પાર્ટી રાખવામાં આવી હતી. ગુંજન અને ભાયાણી પરિવાર રાત્રે ૧૧ વાગ્યા આસપાસ હોટલ રજવાડુથી જન્મ દિવસની પાર્ટીની ખુશાલી ઉજવી જામનગર ઘરે પરત આવવા નીકળ્યા હતાં. ગુંજન એકલો તેના મોટરસાઈકલ પર રજવાડુથી જામનગર પરત આવી રહ્યો હતો ત્યારે જામનગરથી બેડ ટોલ નાકા ઉપર નોકરી કરતા અને બેડ તરફ મોટરસાઈકલ ઉપર પૂરપાટ વેગે જતા યુવાનના મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાતા બન્ને મોટરસાઈકલ પરથી ફેંકાઈ ગયા હતાં જેમાં ગુંજનને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સામેવાળા યુવાનને ઈજા થતાં તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ગિરીશભાઈ તથા સુભાષભાઈ ભાયાણી ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારપછી ગુંજનના મૃતદેહને જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને પોસ્ટમોર્ટમની વિધિ પત્યા પછી ગિરીશભાઈના નિવાસસ્થાન ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમ યાત્રા નીકળી હતી.

ગિરીશભાઈના નવયુવાન દીકરાના અકાળે અવસાનના સમાચાર જાણી સમગ્ર રઘુવંશી સમાજમાં તેમજ પત્રકાર આલમમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ગુંજન ગણાત્રા ગાંધીનગર સ્થિત એક ખાનગી અમેરિકન કંપનીમાં સર્વિસ કરતો હતો અને શનિ-રવિની રજા હોવાથી તથા ભાણેજના જન્મ દિવસના કારણે જામનગર આવ્યો હતો.

સાંસદ, રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોએ અર્પી શ્રદ્ધાંજલિ

જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના યુવાન પુત્ર ગુંજનના અકસ્માતમાં મૃત્યુના સમાચાર જાણી રાત્રે સંસદસભ્ય પૂનમબેન માડમ, રાજયમંત્રી હકુભા જાડેજા હોસ્પિટલ દોડી ગયા હતાં. ત્યારપછી આજે સવારે તેમના નિવાસસ્થાને જઈને સ્વ. ગુંજનના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી ગણાત્રા પરિવારને સાંત્વના પાઠવી હતી. સદ્ગતની અંતિમયાત્રામાં લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓ, જ્ઞાતિજનો, પત્રકારો, મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતાં.