દેશમાં ગુજરાત છઠ્ઠા નંબરનું દેવાદારઃ સવા ત્રણ લાખ કરોડનું દેવું

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૃ થઈ ગયું છે, ત્યારે જ માઠી ખબર જાહેર થઈ છે. ગુજરાત પર સવાત્રણ લાખ કરોડનું દેવું છે અને દેશમાં ૬ઠ્ઠા નંબરનું દેવાદાર રાજ્ય હોવાનું જાહેર થયું છે.

ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૃ થઈ રહ્યું છે, પરંતુ વિકાસની વાતો વચ્ચે ગુજરાતીઓ માટે માઠી ખબર છે. ગુજરાતના માથે ૩.રપ લાખ કરોડ રૃપિયાનું દેવું છે. આમ દેવાદાર રાજ્યોમાં ગુજરાત રાજ્ય દેશમાં છઠ્ઠા નંબર પર છે. દેવાદાર રાજ્યોમાં પ્રથમ નંબરે ઉત્તરપ્રદેશ આવે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે, જ્યારે ગુજરાત માથે રૃા. ૩.રપ લાખ કરોડની આર્થિક જવાબદારી છે.

ર૦૧૪ માં ગુજરાતની રાજ્ય વિકાસ લોન માત્ર ૭૮ હજાર ર૧ કરોડ હતી. ર૦ર૦ સુધીમાં વધીને ર લાખ પ હજાર ર૩ કરોડ થઈ હતી. ૧ લાખ ૧પ હજાર ૮૦પ કરોડ સહિત આર્થિક જવાબદારીમાં વધારો થયો છે. ર૦૧૪-ર૦ર૦ મુજબ આર્થિક જવાબદારીમાં ૧લાખ ૩૭ હજાર ૪૪૪ કરોડનો વધારો થયો છે.

આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૃ થઈ રહ્યું છે, ત્યારે સરકાર ક્યા ક્યા વિધેયક બજેટ સત્ર રજૂ કરશે એ મહત્ત્વનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બજેટ સત્રમાં લવ જેહાદ વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત રાજવિત્તિય જવાબદારી સુધારા વિધેયક, ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક આ ઉપરાંત અન્ય ૭ વિધેયક રજૂ કરાશે. વિધાનસભામાં પેટ્રોલ-ડિઝલના ભાવો, મોંઘવારી, ગેસના ભાવોમાં બેફામ વધારો, કિસાનોના અને બેરોજગારીના પ્રશ્ને વિપક્ષો સરકારને ઘેરશે, તેમ જણાય છે.

ત્રીજી માર્ચે રજૂ થયેલ બજેટ આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આ ઉપરાંત ૩જી માર્ચે નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. કોરોના ફરી વકર્યો છે ત્યારે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, કોરોનાને લીધે ગુજરાત વિધાનસભામાં ય ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોક ઠરાવ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ અને સ્વ. માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યપાલ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ તા. બીજી માર્ચે જાહેર કરાશે. આ જોતા નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રી નીતિન પટેલ તા. ત્રીજીએ બજેટ રજૂ કરશે.

લવ જેહાદનું બિલ આવી શકે

નીતિન પટેલ ૯મી વાર વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. ર૪ દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટમાં ભાજપ સરકાર યુપીની જેમ ગુજરાતમાં ય લવ જેહાદનું બિલ પસાર કરી શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ભાજપને ફળ્યો છે, ત્યારે લવ જેહાદનો કાયદો પસાર કરી ભાજપ મતદારોને રિઝવવા માંગે છે.

મહાનગરપાલિકા-પંચાયતોની ચૂંટણી પછી ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસો વધ્યા છે તે જોતા વિધાનસભામાં મંત્રી૪ ધારાસભ્યો અને અધિકારીઓને કોરોના ટેસ્ટ કર્યા પછી પ્રવેશ મળશે. એટલું જ નહીં, વિધાનસભામાં ય સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેટલાક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે.