કેન્દ્ર સરકાર બે વર્ષમાં એક કરોડથી વધુ એલપીજી કનેક્શનો મફત આપશેઃ યોજના તૈયાર

કેન્દ્ર સરકાર આગામી બે વર્ષમાં એક કરોડથી વધુ પરિવારોને એલપીજી કનેક્શન ફ્રી આપશે. આ અંગેની યોજના તૈયાર હોવાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકારે આગામી બે વર્ષમાં એક કરોડથી વધુ મફત એલપીજી કનેક્શનો આપવાની અને લોકોને એલપીજીની સરળ સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરી છે. દેશના ૧૦૦ ટકા લોકોને સ્વચ્છ બળતણ પહોંચાડવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ યોજના ઘડી છે.

પેટ્રોલિયમ સચિવ તરૃણ કપૂરે કહ્યું કે ઓછામાં ઓછા ઓળખ દસ્તાવેજો સાથે અને સ્થાનિક પુરાવા વિના જોડાણો આપવાની યોજના તૈયાર છે. આ ઉપરાંત ગ્રાહકોને ટૂંક સમયમાં ફક્ત એક જ ડિસ્ટ્રીબ્યુટર સાથે બાંધવાને બદલે તેમના પાડોશમાં ત્રણ ડીલરો પાસેથી રિફિલ સિલિન્ડર મેળવવાનો વિકલ્પ મળશે. કપૂરે કહ્યું કે, માત્ર ચાર વર્ષમાં ગરીબ મહિલાઓના ઘરોમાં વિક્રમજનક આઠ કરોડ મફત એલપીજી જોડાણો પૂરા પાડવામાં આવ્યા. જેનાથી દેશમાં એલપીજી વપરાશકારોની સંખ્યા આશરે ર૯ કરોડ થઈ ગઈ.

આ મહિનાની શરૃઆતમાં રજૂ કરાયેલા કેન્દ્રિય બજેટમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા (પીએમયુવાય) યોજના અંતર્ગત એક કરોડથી વધુ મફત એલપીજી જોડાણોની જાહેરાત કરવામાં આવી હતી. સચિવે જણાવ્યું હતું કે, ‘અમારી યોજના બે વર્ષમાં વધારાના એક કરોડ જોડાણો આપવાનું લક્ષ્યાંક હાંસલ કરવાની છે.’ તેમણે કહ્યું કે, ર૦ર૧-રર ના બજેટમાં આ માટે કોઈ અલગ ફાળવણી કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે ફ્યુઅલ સબસિડી ફાળવણી માત્ર એક કનેક્શન દીઠ રૃા. ૧,૬૦૦ નો ખર્ચ પૂરો કરવા માટે પૂરતી હોવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, અમે તો લોકોનું પ્રારંભિક અનુમાન લગાવ્યું હતું કે, જે હજુ પણ એલપીજી કનેક્શન વગરના છે. તે સંખ્યા એક કરોડ છે. ઉજ્જવલા યોજના પછી ભારતમાં એલપીજી વગરના ઘર ઘણાં ઓછા છે. અમારી પાસે એલપીજી કનેક્શન સાથે લગભગ ર૯ કરોડ ઘર છે. એક કરોડ કનેક્શન સાથે અમે ૧૦૦ ટકા ઘરો સુધી એલપીજી પહોંચાડવાની નજીક હશું.

જો કે, તેઓએ માન્યું કે, એક કરોડની આ સંખ્યામાં બદલાવ થઈ શકે છે. કારણ કે, કેટલાક એવા પરિવાર પણ હશે જે રોજગાર અથવા અન્ય કારણોથી એક શહેરને છોડીને બીજા શહેરમાં ગયા હશે. અહીં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે. તેમણે તેલ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા જણાવ્યું જે જેથી ભારતના સામાન્ય લોકોને તેલની વધતી કિંમતોથી રાહત મળી શકે. એનો ખુલાસો કરો કે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઈલના વધતા ભાવને લીધે દેશમાં પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ રહી છે. તેમના દેશના હિતમાં વધુ નફો મેળવવા માટે ક્રૂડ ઓઈલ સપ્લાય કરનારા દેશો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરી રહ્યા છે કિંમતોમાં વધારો થયો છે. શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે.