જીએસટીના વિરોધમાં દેશવ્યાપી હડતાલ થકી વેપાર- ધંધાને માઠી અસરઃ ટ્રાન્સપોર્ટરો દ્વારા ચક્કાજામનું એલાન

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો, જીએસટી અને ઈવે બિલ સહિત અનેક મુદ્દે આજે ૪૦,૦૦૦ જેટલા દેશના ટ્રેડર્સ એસોસિએશને આપેલા ભારત બંધના એલાનનો આજે સવારે ૬ વાગ્યાથી પ્રારંભ થયો છે. દેશના કેટલાક ભાગોમાં બંધની અસર જોવા મળી રહી છે, જ્યારે ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોમાં બંધની નહિંવત્ અસર જોવા મળી છે.

ભારત બંધમાં દેશના ૮ કરોડ જેટલા વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો સામેલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કૃષિ સંગઠનોએ પણ બંધના એલાનને ટેકો આપ્યો છે. ભારત બંધ દરમિયાનની મુખ્ય માંગણીઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તત્કાલ ઘટાડો અને તેમાં એકરૃપતા, ઈ-વે બિલ તથા જીએસટીથી સંબંધિત મુદ્દાનું સમાધાન તથા વાહનોને કબાડ-ભંગારમાં જવા દેવાની નીતિના અમલ પહેલા ટ્રાન્સપોર્ટરો સાથે વાતચીતની માંગ સામેલ છે. બંધમાં ફેડરેશન ઓફ એલ્યુમિનિયમ મેન્ય, નોર્થ ઈન્ડિયા સ્પાઈસીસ ટ્રેડર્સ, ઓલ ઈન્ડિયા વિમેન્સ એન્ટપ્રિતિયર્સ એસો., ઓલ ઈન્ડિયા કોમ્યુ. ડીલર એસો., ઓલ ઈન્ડિયા કોસ્મેટિક મેન્યુ. એસો. પણ સામેલ છે. આજે દેશમાં ૧પ૦૦ જેટલા સ્થળોએ દેખાવો-પ્રદર્શનના આયોજનનો દાવો કરાયો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ખામીઓ દૂર કરવા માટે સરકાર પર દબાણ પડે તે માટે સમગ્ર દેશના નાના વેપારીઓએ ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધની જાહેરાત કરનાર કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો દાવો છે કે આમાં આશરે ૮ કરોડ નાના વેપારીઓ સામેલ થશે. આ સાથે જ દેશના આશરે ૧ કરોડ ટ્રાન્સપોર્ટર્સ અને લઘુઉદ્યોગ તેમજ મહિલા સાહસિકો પણ સામેલ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ તરફથી મળેલી સૂચના મુજબ, દિલ્હી સહિત દેશના ૪૦ હજારથી વધારે વેપારી સંગઠનો સાથે જોડાયેલા ૮ કરોડથી વધુ વેપારી આ બંધમાં સામેલ થશે. સાથે જ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની જાહેરાતના આધારે દેશમાં તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ બંધ રહેશે. આ સિવાય લઘુઉદ્યોગ, ફેરિયાઓ, મહિલા સાહસિકો અને વેપાર સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોના રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના સંગઠનોએ પણ વેપાર બંધને પોતાનું સમર્થન આપ્યું છે.

ભારત વેપાર બંધથી કોઈ અસુવિધા ના થાય તેને ધ્યાનમાં રાખતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જીવનજરૃરિયાતની સેવાઓને આમાં સામેલ નથી કરી. જેમાં દવાની દુકાનો, દૂધ, શાકભાજીની દુકાન વગેરેનો સમાવેશ થાય છે. પ્રવિણ ખંડેલવાલે આ વિશે વાત કરતા જણાવ્યું કે, ગત્ રર ડિસેમ્બર અને ત્યારપછી જીએસટી નિયમોમાં ઘણાં એકતરફી સંશોધન કરવામાં આવ્યા. આ મુદ્દે સમગ્ર દેશના વેપારીઓમાં ગુસ્સો છે. આ સંશોધનોથી અધિકારીઓને અસીમિત અધિકાર આપવામાં આવ્યા છે.

હવે કોઈપણ અધિકારી પોતાના વિવેક અનુસાર કોઈપણ કારણસર, કોઈપણ વેપારીનો જીએસટી રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. તે કોઈપણ વેપારીનું બેંક ખાતુ અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. મહત્ત્વની વાત એ છે કે, આવું કરતા પહેલા વેપારીને કોઈ નોટીસ આપવામાં નહીં આવે અને કોઈ સુનાવણીની તક પણ આપવામાં નહીં આવે. આ પ્રકારના નિયમોથી ભરષ્ટાચાર વધશે. આ તો વેપારીઓને મૌલિક અધિકારોથી વંચિત રાખવા જેવી વાત થઈ. આ નિયમોથી અધિકારી કોઈપણ વેપારીને હેરાન કરી શકશે.

ભારત બંધ અગાઉ સીએઆઈટી એ પ્રધાનમંત્રીને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં જીએસટી સંલગ્ન મુદ્દાઓ, ઈ કોમર્સ કંપનીઓ સંબંધિત મામલાનો ઉલ્લેખ હતો. આ પત્રમાં સીએઆઈટી એ પ્રધાનમંત્રીને કેન્દ્રિય સ્તરના એક સ્પેશિયલ વર્કિંગ ગ્રુપ બનાવવાની માંગણી કરી હતી. જેમાં સિનિયર અધિકારી, સીએઆઈટીના પ્રતિનિધિ અને ઈન્ડિપેન્ડન્ટ ટેક્સ એક્સપર્ટ હોય.