અમદાવાદમાં ઓવૈસીનાં કાંગરા ખેરવાયા, કોંગ્રેસ સામે AIMIM ભોંય-ભૂ થઈ ગઈ

અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી. જો કે અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. બહેરામપુરામાં AIMIMનો કિલ્લો સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો હતો. પરંતુ 4 સીટો પર ઘણાં સમય સુધી લીડમાં રહ્યાં બાદ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીંથી કોંગ્રેસની પેનલ જીતી છે. આ ઉપરાંત દરિયાપુરમાં ખુદ ઔવેસીએ પ્રચાર કર્યો હતો. અહીં પણ કોંગ્રેસની પેનલે જીત નોંધાવી છે. દાણીલીમડા અને દરિયાપુરમાં પણ કોંગ્રેસે વિજયી પરચમ લહેરાવ્યો છે.

બહેરામપુરા વોર્ડમાં ઔવેસીને AIMIMને મોટો ઝટકો લાગ્યો છે. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત થતાં ઔવેસીની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ અને AIMIM વચ્ચે કાંટેની ટક્કર જામી હતી, જે જોતા લાગી રહ્યું હતું કે ઔવેસીની પાર્ટી આ વોર્ડ પર વિજયી પરચમ લહેરાવી શકે છે. જો કે અંતે ઔવેસીના સપના ચકનાચૂર થઇ ગયા.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 192 બેઠકોની યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહીં છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત વખત કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હતો પરિણામે ચૂંટણીનો નિરસ માહોલ રહ્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.