વડોદરામાં સતત ચોથી વખત ભાજપે સત્તા કબજે કરી, 65 બેઠકો પર જીત

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 65 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠક જીતી શકી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે. વોર્ડ નં-2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12 14, 15, 17, 18 અને 19માં ભાજપની પેનલની જીત થઈ છે અને ​​​​​​વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. આ ઉપરાંત ભાજપના 22 વર્ષના યુવા પુરૂષ ઉમેદવાર શ્રીરંગ આયરેનો પણ વિજય થયો છે. વડોદરાના વોર્ડ નં-18માં સતત 34 વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો પરાજય થયો છે. તેઓને અંતિમ રાઉન્ડમાં મતદાન મથક છોડીને રવાના થઈ ગયા હતા.

વડોદરાના વોર્ડ નં-6ની મતગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ફેર મતગણતરીની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસ દોડી ગઈ હતી. છેવટે વોર્ડ નં-6માં ફેર મતગણતરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરેએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં 18 હજાર લઘુમતી અને સ્લમ વિસ્તારના મતદારો હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારોને 4-4 મતો મળી રહ્યા છે, જે બાબત શંકા ઉપજાવે છે. આ ઉપરાત એનસીપીના ઉમેદવાર દેવયાની પરમારે પણ આક્ષેપો કર્યાં હતા અને ન્યાય નહીં મળે તો ફિનાઈલ પીને મરી જઈશ તેવી ધમકી આપી હતી. ભાજપ અગ્રણી કેતન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શરૂઆતથી જ ભાજપને લીડ મળી હતી. જેથી હાર જોઇ જતા આક્ષેપો કર્યાં છે, જે આક્ષેપો કર્યાં છે, તે ખોટા છે

વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ​​​​​વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વોર્ડ નં-14માં કોંગ્રેસના કાઉન્સિલર હેમાંગિની કોલેકરનો પરાજય થયો છે. તો વોર્ડ નં-13માં કોંગ્રેસના બાળુ સુર્વે સતત ત્રીજી વખત જીત્યા છે.

વોર્ડ નં-7માં કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર જાગૃતિ રાણા અને વોર્ડ નં-4માં કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર અનિલ પરમારનો પરાજય થયો છે. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ સમયે એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

કોંગ્રેસના હારેલા ઉમેદવાર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, સીમાંકનને કારણે મારી હાર થઈ છે અને કોંગ્રેસની બેઠકો ઘટી છે. વડોદરામાં આવેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડબલ ફિગરમાં પણ નહીં આવે. બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું મિશન 76નું સપનુ અધુરુ રહ્યું છે