રાજકોટમાં ભાજપનો કેસરિયો લહેરાયો, કોંગ્રેસના સૂપડાં સાફ

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભર્યો છે. મનપાની 21 ફેબ્રુઆરીએ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં રાજકોટમાં 50.7 ટકા મતદાન થયું હતું. 18 વોર્ડની 72 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર ભાજપની સમગ્ર પેનલોનો વિજય થયો છે. રાજકોટમાં કોંગ્રેસને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો હોવાનું જણાય છે. ભાજપ બહુમતી સાથે આ વખતે પણ રાજકોટ મહાનગરપાલિકાને જાળવી રાખે તેવી પ્રબળ શક્યતા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વોર્ડ નં. 10ના મતદાર છે તેમાં ભાજપના ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21મીએ સંપૂર્ણ કોવિડ 19 પ્રોટોકોલ સાથે વોર્ડ નં. 10માં અંતિમ કલાકમાં પત્ની અંજલીબેન સાથે મતદાન કર્યું હતું.

રાજકોટમાં બપોર સુધીમાં વોર્ડ. 1, 5, 8, 9, 10, 11, 13, 14, 16માં ભાજપની પેનલોનો વિજય થયો હતો. બીજીતરફ કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા ઉમેદવારોને બાદ કરતા અન્ય કોઈ ઉમેદવાર રૂઝાનમાં આગળ નથી જણાતા અને રાજકોટ મહાનગરપાલિકા ભાજપ જાળવશે તે નિશ્ચિત થતા પ્રદેશ ભાજપ કાર્યાલયે ઉજવણી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં 72 પૈકી ભાજપના 48 ઉમેદવારોનો વિજય થઈ ગયો છે.

આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ખાસ પ્રદર્શન નથી દાખવી શકી અને હજી સુધી ખાતું પણ ખૂલ્યું નથી. સુરતમાં ભાજપ પ્રથમ ક્રમે છે અને બીજા ક્રમે આમ આદમી પાર્ટી 18-19 બેઠકો પર આગળ ચાલી રહી છે. સુરતમાં કોંગ્રેસ પક્ષ ત્રીજા ક્રમે ધકેલાયો છે.