ભાવનગરમાં ભાજપનું બૂલડોઝર, કોંગ્રેસનો સફાયો

આજે સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સુદૃઢ વ્યવસ્થાઓ સાથે મતગણતરી શરૃ થઈ હતી અને બપોર સુધીના ટ્રેન્ડ તથા વિજયના પરિણામો જોતા તમામ ૬ મનપામાં ભાજપનો દબદબો જળવાઈ રહેલો જણાય છે.

જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ૭પ બેઠકોની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી ચાલી રહી છે. ૧૩,૯૪૬ ઈવીએમ મશીનમાં ભાજપ, કોંગ્રેસ સહિતના રર૭૬ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટીંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે. કોરોનાને કારણે પહેલી વખત કાઉન્ટીંગ સેન્ટરમાં ભીડ ટાળવા ઉમેદવારો અને તેમના એજન્ટોને પ્રવેશ માટે સમય ફાળવાયો છે. અમદાવાદમાં ગુજરાત કોલેજમાં આવેલા મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતાં.

મહાનગરોમાં સારા પરિણામોને જોતા ભાજપ જીતનો જશ્ન મનાવશે અને આ જશ્નમાં સીએમ રૃપાણી હાજર રહે તેવી સંભાવના છે. અમદાવાદ ખાનપુર કાર્યાલયમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

ભાવનગરમાં 52માંથી ર૯ બેઠકોના પરિણામો આવ્યા છે, જેમાંથી ભાજપને ર૦ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી છે.