અત્યારથી જ આ હાલ: કચ્છમાં આકરા ઉનાળાના એંધાણ: ભુજ ૩૪ ડિગ્રીએ તપ્યુ

સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છમાં આ વખતે સદીનો સૌથી લાંબો અને યાદગાર શિયાળો હવે જયારે તેના અંતિમ પડાવમાં છે ત્યારે તાપમાનનો પારો ઉંચકાતા જિલ્લા મથક ભુજ રાજ્યના ગરમ મથકોમાં બીજા સ્થાને રહ્યું હતું. રાત્રે આંશિક ઠંડી અને વહેલી સવારથી ઝાકળભીનું વાતાવરણ યથાવત્ રહ્યું છે.

ભુજ મહત્તમ ૩૪ ડિગ્રીની આસપાસના તાપમાન સાથે રાજ્યમાં સુરેન્દ્રનગર બાદ બીજા નંબરનું ગરમ મથક બની રહ્યું હતું. રાજ્યના ઠંડા મથકોમાં અવ્વલ નંબરે રહેતા નલિયામાં પણ તાપમાનનો પારો ઉંચકાતા મહત્તમ તાપમાન ૩૨.૬ની આસપાસ પહોંચ્યુ હતુ. હાલ ઋતુ સંધિકાળ ચાલતો હોઈ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે આંશિક ઠંડી વચ્ચે વહેલી સવારથી જ ઝાકળવર્ષા શરૂ થઇ જાય છે.