અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઓફલાઇન ટિકિટ વેચાણના પહેલા જ દિવસે ધસારો

અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ જોવા માટે લોકો ખૂબ ઉત્સાહિત છે ત્યારે મોટેરામાં ઓફલાઈન ટિકિટ વેચાણના પહેલા જ દિવસે સ્ટેડિયમની ટિકિટબારી પર લોકોનો ધસારો જોવો મળ્યો હતો.

18 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ પહોંચી હતી. થોડા આરામ બાદ બીજા દિવસે બપોરથી જ બંને ટીમો મેદાનમાં પ્રેક્ટિસ માટે પહોંચી હતી. બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. તેમજ જીમમાં કસરત પણ કરી હતી. 20 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે બંને ટીમો હોટેલ પરથી સ્ટેડિયમ જવા રવાના થઈ હતી.

અત્યાર સુધી મેચ માટે ખાનગી વેબસાઈટ અને BCCIની વેબસાઈટ ઉપર જ ઓનલાઇન ટિકિટ વેચાણ થતું હતું. પરંતુ આજથી જ સ્ટેડિયમ ખાતે ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં ટિકિટ ખરીદવા પ્રેક્ષકોનો ધસારો જોવા મળ્યો હતો અને વેઇટિંગમાં ઊભા રહેવું પડ્યું હતું. અમદાવાદવાસીઓ સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાઈ રહેલી પહેલી ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચને લઈને ખુબ જ ઉત્સાહિત છે. લોકોએ 300 રુપીયાથી લઈને 1000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદી હતી. ટિકિટ કાઉન્ટર પર લોકોની સુવિધા માટે 15 જેટલી વિન્ડો પણ રાખવામાં આવી હતી.

જો કે, 25 હજાર જેટલા વાહન પાર્કિંગની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં પાર્કિંગ માટેની ટિકિટ પણ લોકોએ અલગથી લેવી પડી હતી. ક્યાંક પાર્કિંગ ટિકિટ બુક ન થતા ગેટ પર હાજર સિક્યુરિટીએ પ્રેક્ષકોને પાર્કિંગ ટિકિટ મેચના દિવસે ‘ઓન અરાઈવલ’ મળી જશે તેમ જણાવ્યું હતું.

મેચ બાદ કોરોનાનો ભય

જો કે, એક તરફ ચૂંટણીઓ અને બીજી તરફ મેચને લઈને મોટી ભીડ ભેગી થવાની પૂરી શક્યતા છે. જેને લઇને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની જેમ ફરીથી અમદાવાદમાં કોરોના વકરે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.