બધાં સરકારી વાહનો ઈલેક્ટ્રિક કરો: નીતિન ગડકરી

સરકારી ખાતા અને વિભાગોમાં કામ કરતા તમામ અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહનો વાપરવાનું ફરજિયાત બનાવો, એમ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું હતું.

સરકારે લોકોને રાંધણ ગૅસની ખરીદી માટે સહાય કરવાને બદલે રસોઈ બનાવવા ઈલેક્ટ્રિક ઉપકરણ ખરીદવા માટે સબસિડી આપવી જોઈએ એવું સૂચન ગડકરીએ કર્યું હતું.

‘ગૉ ઈલેક્ટ્રિક ઝુંબેશ’ના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે શા માટે આપણે રાંધવાના ઈલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી પર સબસિડી નથી આપતા?

ગડકરીના મતે ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સ્વચ્છ હોવાની સાથે સાથે તે ગૅસની આયાતનું અવલંબન પણ ઘટાડશે.

હું મારા ખાતાના તમામ અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહન વાપરવાનું ફરજિયાત બનાવીશ એમ જણાવી ગડકરીએ ઊર્જા ખાતાના પ્રધાન આર. કે. સિંહને તમામ સરકારી અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહન વાપરવાનું ફરજિયાત બનાવવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ૧૦,૦૦૦ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પ્રતિમાસ રૂ. ૩૦ કરોડની બચત કરાવશે.