ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર, 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકામાં મતદાન, 23 ફેબ્રુઆરીએ મતગણતરી

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ થશે. 6 મહાનગર પાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ અને 81 નગર પાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ તથા 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા તઈ રહી છે.

આજે 23 જાન્યુઆરીના રોજ ગુજરાત ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગરપાલિકા માટે 01 ફેબ્રુઆરી તેમજ જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ત્યાં જ ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી તથા જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા 13 ફેબ્રુઆરી નક્કી કરાઇ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની ચારીખ મહાનગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી તથા બાકી તમામ જિલ્લા-તાલુકા માટે 15 ફેબ્રુઆરી છે.

આ દરમિયાન મહાનગરપાલિકાના ઉમેદવાર 9 ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેચી શક્શે તથા જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાના ઉમેદવાર 16 ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેચી શક્શે.

રાજ્યની 6 મહાનગરપાલિકાના લોકો 21/2/2021 રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શક્શે. જ્યારે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાના લોકો 28/2/2021 રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શક્શે. ત્યાં જ 6 મહાનગરપાલિકાની મતગણતરીની તારીખ 23/2/2021 અને 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી 03/02/2021ના રોજ હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાના લીધે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.