પિતા માધવસિંહે “ખામ” થિયરીમાં પી ફોર પટેલને બાકાત રાખ્યા હતા તો પુત્ર ભરતસિંહે “ખામ્પ” લાગુ કરી

ગુજરાત કોંગ્રેસને ઐતિહાસિક વિજય અપાવનારા માધવસિંહ સોલંકીએ 1980માં ખામ થિયરી લાગુ કરી હતી અને તેમાંથી એક શબ્દ બાકાત રાખ્યો હતો અને તે શબ્દ હતો પી. પી ફોર પટેલ. પટેલોનો ખામ થિયરીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

માધવસિંહ સોલંકીને તે વખતે રાજકીય રીતે લાગતું હતું કે પટેલો કોંગ્રેસની સાથે આવશે નહીં. પટેલોનો વર્ગ ભાજપ સાથે જ જશે અને એટલે જ તેમણે ખામ થિયરી લાગુ કરીને ક્ષત્રિમય, આદિવાસી, હરિજન અને મુસ્લિમ(KHAM) લાગુ કરી અને તેનો કોંગ્રેસને જે તે સમયે ફાયદો થયો. માધવસિંહે સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ એટલી બધી (149)સીટ જીતીને ધરાઈ ગઈ કે ત્યાર પછી કોંગ્રેસને ચૂંટણીમાં ઓડકાર લેવાની પણ ફૂરસદ રહી નહીં અને આજે કોંગ્રેસ ચૂંટણીઓમાં ઓડકાર જ ખાદ્યા કરે છે.

ખામ થિયરીને લાગુ કર્યાને આજે 40 વર્ષ થઈ રહ્યા છે અને ત્યાર બાદ કોંગ્રેસ એવી કોઈ મજબૂત થિયરી કે રાજકીય મુદ્દા પર ભાજપ સામે ઝીંક ઝીલી શકી નહી. ચીમનભાઈ પટેલે પણ કોંગ્રેસને તમ્મર ખવડાવી દીધા હતા અને બાદમાં કોંગ્રેસમાં વિલીન થયા પણ તેમના વિલિનીકરણથી કોંગ્રેસને ફાયદો થયો નહીં શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ સાથે હસ્તધનુન કર્યા બાદ પણ કોંગ્રેસની સ્થિતિમાં વિશેષ કોઈ ફરક પડ્યો નહીં.

હિન્દુત્વના પ્રચંડ મોજાની સામે કોંગ્રેસ એક લાચારની સ્થિતિમાં આવી ગઈ. કારણ કે હિન્દુત્વના વેવમાં ક્ષત્રિય, પટેલ, આદિવાસી, દલિત, બ્રાહ્મણ એ બધું જ વિસરાઈ ગયું. ભાજપની તમામ જ્ઞાતિઓ(મુસ્લિમ છોડીને) તમામ પર મજબૂત પકડ થઈ ગઈ. કોંગ્રેસ આવી સ્થિતિમાં બહાર નીકળવાના ફાંફા મારતી હતી અને તેવામાં માધવપુત્ર ભરતસિંહ સોલંકીને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી.

સીધા રાહુલ ગાંધીનાં આદેશથી ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની કમાન સંભાળી. ભરતસિંહ એક એવા નેતા છે કે જેમણે અહેમદ પટેલના દરબારમાં ઉપસ્થિત રહેવાનું હંમેશ ટાળ્યું હતું. પિતા માધવસિંહ સોલંકી સાથે થયેલ રાજકીય કાવાદાવાનાં ભરતસિંહ સાક્ષી રહ્યા છે અને તેઓ જાણે છે કે ભૂતકાળમાં કોંગ્રેસનાં નેતાઓએ માધવસિંહ સોલંકી સામે કેવા પ્રકારની ક્રુર રાજકીય રમતો રમી હતી.

ભરતસિંહના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન આવ્યા બાદ તેમની સામે સૌથી મોટો પડકાર હતો ભાજપની પકડને યેનકેન રીતે ઢીલી કરવાનો. 2014માં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા મહારથીઓની વિદાય થઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા,વજુભાઈ વાળા જેવા મજબૂત નેતાઓને પણ દિલ્હી સરકારમાં જવાબદારી સોંપવામાં આવી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર આનંદીબેન પટેલ બેઠાં અને થોડાક જ સમયમાં એટલે કે 2015માં જ પાટીદાર અનામત આંદોલન શરુ થયું.

પાટીદાર અનામત આંદોલનની કમાન તે સમયે 22 વર્ષના છોકરડા એવાં હાર્દિક પટેલના હાથમાં હતી. આ યુવાને પાટીદાર અનામતની માંગ સાથે આંદોલન શરુ કર્યું તો ગુજરાતના રસ્તાઓ પર કદીય ન જોવાયેલું માનવ મહેરામણ જોવા મળ્યું, પાટીદાર સમાજે હાર્દિક પટેલને વાંહે વાંહે ટેકો આપ્યો અને અનામત આંદોલનની સામે ગુજરાત સરકારે ઝૂકવું પડ્યું. પણ આ બધાની વચ્ચે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી વિદાય લેવી પડી અને રુપાણી સરકાર આવી. રુપાણી સરકારે મહદ્અંશે અનામત લાગુ કરી.

પાટીદાર અનામત આંદોલનની સમાંતરે બીજું એક આંદોલન ચાલ્યું અને એ આંદોલન હતું અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું. અલ્પેશ ઠાકોરનું મૂળ ગૌત્ર કોંગ્રેસ જ હતી. કારણ કે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાભાઈ ઠાકોર વરિષ્ઠ કોંગ્રેસી રહ્યા. સમયાંતરે અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં સભા કરી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ જોઈન કરી. રાધનપુર વિધાનસભાની ચૂંટણી લડી, જીત્યા. બાદમાં રાજ્યસભાની ચૂંટણી આવતા સુધીમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાયા.

ત્રીજું આંદોલન જિગ્નેશ મેવાણીએ શરુ કર્યું હતું. દલિતો પર થઈ રહેલા અત્યાચારોને લઈ જિગ્નેશ મેવાણીએ આંદોલન કર્યું. વિધાનસભા આવતા સુધીમાં વડગામમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, કોંગ્રેસે ટેકો આપ્યો, જીત્યા.

ત્રણ આંદોલનમાં ભરતસિંહ સોલંકી સોગઠી રમી ગયા. અલ્પેશ ઠાકોર દ્વારા ક્ષત્રિયોને ફરી એક વાર કોંગ્રેસ તરફ વાળવામાં સફળતા મળી તો આઘાપાછા થઈ રહેલા દલિતોને જિગ્નેશ મેવાણી રુપે કોંગ્રેસમાં વધુ મજબૂતાઈ આપવાની સફળ કોશીશ થઈ.

સૌથી મોટી વાત હાર્દિક પટેલના અનામત આંદોલનમાં કોંગ્રેસને ફાયદો કરાવી ગઈ તે છે. કોંગ્રેસના નેતાઓ માને કે  માને પણ આ એક હકીકત છે કે હાર્દિક પટેલ મારફત પટેલોને કોંગ્રેસ તરફ વાળવામાં મોટી સફળતા મળી છે. જે ખામ થિયરીમાંથી પી ફોર પટેલ બાકાત હતો તેને ભરતસિંહે 40 વર્ષ પછી  ખામમાં ઉમેરો કર્યો. ખામનં ખામ્પ કર્યું. સામે ભાજપે ખાપ( KHAP એટલે કે K એટલે ક્ષત્રિય, H એટલે હરિજન, A એટલે આદિવાસી અને P એટલે પટેલ). ભરતસિંહે ખામ અને ખાપ થિયરીને અપડેટ કરી. ખામ્પ(KHAMP-KHAMP- K એટલે ક્ષત્રિય, H એટલે હરિજન, A એટલે આદિવાસી, M એટલે મુસ્લિમ અને P એટલે પટેલ). પરંતુ આ ખામ્પમાં M એટલે કે મુસ્લિમોનો “મ” અડધો થઈ ગયો.પટેલોમાં રહેલો કોંગ્રેસ પ્રત્યેનો અણગમો દુર કરવામાં હાર્દિક અને ભરતસિંહની જોડીનાં પ્રયાસોએ ચમત્કારિક પરિણામો આપ્યા.

ખામ્પ થિયરીની સાથે ભરતસિંહ ગુજરાતમાં પહેલી વાર સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ પર આવ્યા. કોંગ્રેસને તેનો ફાયદો પણ થયો. પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેનો જોઈએ તેટલો ફાયદો મળ્યો. છતાં પણ કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપીને 80 સીટ પર વિજય હાંસલ કર્યો. ભાજપે 150 સીટ જીતવાનું લક્ષ્ય ધાર્યું હતું પણ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની સાથે પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીએ ભાજપનાં 150 સીટ જીતવાના લક્ષ્યને પૂર્ણ થવા દીધો નહીં.

(ક્રમશ:)