ગુજરાતમાં રસીકરણ: ડોક્ટર અને હેલ્થ વર્કરોએ રસીને લઈને શેર કર્યા પોતાના અનુભવો, જાણો શું કહ્યું

દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે સૌપ્રથમ કોરોના વેક્સિન લેનારા ૧૦ ડોક્ટરોમાંના એક ડો. કેતન પટેલ કે જેઓ ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના દાહોદ ખાતેના પ્રમુખ પણ છે. તેમણે પોતાનો અનુભવ જણાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, આજની તારીખથી આખા દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે દાહોદમાં પણ ગૃહ રાજયમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. દાહોદમાં પ્રથમ દસ વેક્સિનેશનમાં હું પણ સામેલ હતો. મેં કોરોનાની વેક્સિન લીધા બાદ અત્યારે અડધો કલાક ઉપરાંત સમય થઇ ગયો છે. મને કોઇ પણ તકલીફ જણાઇ નથી. કોઇ પણ સામાન્ય ઇન્જેકશન લેવા જેવો આ અનુભવ હતો.

તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સિનને લઇને અત્યારે સમાજમાં અને લોકોમાં થોડોક ગભરાટ છે-શંકાઓ-કુશંકાઓ છે. પરંતુ એક ડોક્ટર તરીકે હું આપને જણાવું છું કે, આ વેક્સિન સો ટકા સુરક્ષિત છે. અસરકારક છે. એટલે નાની સાઇડઇફેક્ટ થઇ શકે છે. પણ કોઇ પણ પ્રકારની ગંભીર આડઅસરો આ વેક્સિનથી થતી નથી. આથી હું સર્વ જનતાને અપીલ કરૂ છું કે તબક્કાવાર રસીકરણમાં સૌ કોઇએ વેક્સિન લેવી જ જોઇએ. વેક્સિન જ કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય છે.

દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે સૌપ્રથમ વેક્સિન લેનારા આરોગ્યકર્મીઓમાંના એક ડો. કમલેશ નિનામાએ વેક્સિન વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, કોરોનાની રસી લીધા પછી મને કોઇ તકલીફ થઇ નથી. આ વેક્સિનથી ઇમ્યુનિટી ડેવલપ થાય છે. માટે સૌ કોઇએ આ વેક્સિન લેવી જોઇએ. અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો શીતળા, ઓરી, અછબડા જેવા ઘાતક રોગો રસીથી નાબુદ થયા છે. આપણે કોરોનાને પણ રસીથી નાબુદ કરીશું. તબક્કાવાર થનારા રસીકરણમાં સૌ કોઇએ પોતાનો વારો આવે એ પ્રમાણે રસી અવશ્ય લઇ લેવી જોઇએ. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ૧૫ દિવસ બાદ ઇમ્યુનિટી ડેવલપ થતી હોય માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝર જેવા નિયમોનું આપણે ચુસ્ત પાલન કરવું જોઇએ.