મહિલાઓને ઘરકામ માટે વેતન? કમલ હસને આપ્યું છે આવું વચન, આઝાદી પૂર્વે બે મહિલાઓએ ઉપાડી હતી લડત

તાજેતરમાં તમિળ અભિનેતા કમ રાજકારણી કમલ હસને જે નવો પક્ષ સ્થાપ્યો છે તેમણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સાત મુદ્દાનો એક એજન્ડા જાહેર કર્યો હતો. આમાંનો એક મુદ્દો એ પણ હતો કે ગૃહિણીઓને તેમના ઘરકામ બદલ વેતન આપીને તેમના કામને એક નવી ઓળખ આપવામાં આવશે. આ જાહેરાત થયા પછી તો સોશિયલ મીડિયા પર આની તરફેણમાં અને વિરોધમાં ખૂબ ચર્ચાઓ થવા લાગી હતી.

જોકે, આ મુદ્દો ક્ંઇ નવો નથી.  ૧૯૩૮માં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝના વડપણ હેઠળ નેશનલ પ્લાનિંગ કમિટીની રચના થઇ હતી. આ સંસ્થાએ પણ આ વેતનનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઝાદી પહેલાં  બે સ્વાતંત્ર્યસેનાની મહિલાઓ દ્વારા પણ આ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો.

આ બે સ્વાતંત્ર્યસેનાનીઓ હતી લક્ષ્મીબાઇ રજવાડે અને મૃદુલા સારાભાઈ. બીજાં સ્વાતંત્ર્યસેનાની ગુજરાતના પ્રખ્યાત અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈનાં બહેન મૃદુલા સારાભાઈ હતાં.  તેમણે ગૃહિણીઓની આર્થિક સધ્ધરતા અંગે જે કામ કર્યું હતું તે જાણવા જેવું છે. અગાઉ કહ્યું તેમ નેશનલ પ્લાનિંગ કમિટીની સબકમિટીમાં ચૂંટાયેલી આ બે મહિલાઓએ ૧૯૪૦માં એક અહેવાલ રજૂ કર્યા હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સ્ત્રીઓને ઘરની જે પણ આવક હોય તેનો અમુક ભાગ મળવો જ જોઇએ. ઉપરાંત પતિની કોઇ પણ જાતની મિલકતમાં પણ તેને ભાગીદાર બનાવવી જોઇએ.

આ બન્ને મહિલાઓએ એવી પણ દલીલ કરી હતી કે ઘરની સ્ત્રીઓ માત્ર રસોઈ બનાવવાનું કે કપડાં ધોવાનું જ કામ નથી કરતી, પરંતુ સંતાનોનું પાલન-પોષણ અને તેમનામાં સંસ્કાર-વિદ્યાનું સીંચન કરવાની જવાબદારી પણ નિભાવતી હોય છે. કમનસીબે તેઓ અશિક્ષિત હોવાથી તેમના આ કાર્યનું યોગ્ય મૂલ્યાંકન નથી થયું.

આ અહેવાલનું સમાપન કરતાં તેમણે લખ્યું હતું કે ‘જ્યાં સુધી ઘરકામ કરતી મહિલાઓના કાર્યને ઘરની બહાર કરાતાં કાર્યો જેટલું મહત્ત્વનું અને ઉત્પાદક નહીં સમજવામાં આવે અને જેમ બહાર કામ કરતા પુરુષોને વેતન આપવામાં આવે છે તેમ ગૃહિણીઓને પણ તેમના કાર્યનું વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમના આ શ્રમને કોઇ પણ જાતનાં માનસન્માન નથી મળ્યાં એમ જ ગણાશે.’

જોકે, ૮૦ વર્ષ પૂર્વે આ મહિલા મહાનુભાવોએ જે અહેવાલ આપ્યો હતો તેની ઘણી અવગણના થઇ છે. આજે પણ આ પ્રશ્ર્નને ઉકેલતો કોઇ કાયદો કે વ્યવસ્થા આપણા સમાજમાં કે દેશમાં જોવા નથી મળતાં.