ગાબા ટેસ્ટ દરમિયાન સિરાજ અને વોશિંગ્ટન સુંદરને ભૂંડા શબ્દો કહેતા ઓસ્ટ્રેલિયન દર્શકો, ભારે હોબાળો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી શ્રેણીની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ચાહકોએ ફરી ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો વિરૂદ્ધ ફરી એક વાર શરમજનક કૃત્યુ કર્યું છે. આ વખતે પણ મોહમ્મદ સિરાજ અને નવોદિત એવા વોશિંગ્ટન સુંદરને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયન દર્શકોએ બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા મોહમ્મદ સિરાજ અને સુંદરને અપશબ્દો કહ્યાં હતાં. મોહમ્મદ સિરાજને ફરી એકવાર ઓસ્ટ્રેલિયાઈ ચાહકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યો છે. આ અગાઉ સિડની ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ આ પ્રકારની જ ઘટના ઘટી હતી.

બોર્ડર-ગવાસ્કર શ્રેણીની ચોથી અને છેલ્લ્લી મેચ આજે શુક્રવારથી શરૂ થઈ છે. આજે પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાના ચાહકોને અપશબ્દો કહ્યાં હતાં. સિડની મોર્નિંગ હેરાલ્ડના એક અહેવાલ પ્રમાણે, કેટલાક દર્શકોએ મોહમ્મદ સિરાજ ઉપરાંત વોશિંગ્ટન સુંદરને પણ અપશબ્દો કહ્યાં છે.

અહેવાલ પ્રમાણે કેટ નામના એક દર્શકે કહ્યું હતું કે, સિરાજ અને સુંદરને લઈને કેટલાક દર્શકો સતત અપશબ્દો બોલી રહ્યાં હતાં અને જોર જોરથી બુમો પાડી રહ્યાં હતાં. કેટે જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકોએ સિરાજને પોતાનું નિશાન બનાવ્યો હતો, કે જેને સિડની ટેસ્ટ દરમિયાન પણ અપશબ્દો કહેવામાં આવ્યા હતાં.

તમિળનાડુના વોશિંગ્ટન સુંદરે આજે જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્વ્યુ કર્યું છે. પહેલી જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં સુંદરને કડવો અનુંભવ થયો છે. આ અગાઉ સિડની ટેસ્ટમાં પણ દર્શકોએ સિરાજને પોતાનું નિશાન બનાવ્યો હતો. જોકે આ ઘટનાને લઈને તુરંત મેચ અટકાવવામાં આવી હતી અને અભદ્ર વ્યવહાર કરનારાઓને સ્ટેડિયમની બહાર કરવામાં આવ્યા હતાં.

સિડની ટેસ્ટમાં ઘટેલી શરમજનક ઘટનાને લઈને ક્રિકેટ જગત શર્મશાર થયું હતું. BCCI થી લઈને ICC સુધી તેની નોંધ લેવાઈ હતી. સિડની ટેસ્ટની ઘટનાને મામલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે માફી માંગી હતી. હવે ફરી એકવાર આ પ્રકારની ઘટના ઘટી છે.