સુરત કોંગ્રેસમાં ખળભળાટ: પ્રમુખ બાબુ રાયકા અને તેમના પુત્રની ધરપકડ, જાણો આખો મામલો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો ક્યારે પણ જાહેર થઈ શકે છે. ત્યારે સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્રની ધરપકડ સુરત અઠવા પોલીસે કરી છે. ખુરશી મામલે થયેલા વિવાદ બાદ કોંગ્રેસ સેવાદળ પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આખરે પોલીસે બાબુ રાયકાએ અને તેના પુત્રની ધરપકડ કરી છે.

કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીને 3 મહિના પહેલા સુરત શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બાબુ રાયકા અને તેમના પુત્રે અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેનો ઓડિયો સોશિયલ મીડિયા વાયરલ થતાં અઠવાલાઇન્સ પોલીસે મહિના પહેલા પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ત્રણ મહિના બાદ અઠવાલાઇન્સ પોલીસે બન્નેની ધરપકડ કરી છે. બન્નેએ સેવાદળ પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી હતી.

ત્રણ મહિના પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય પર વર્ચ્યુઅલ રેલી માટે ભાડાની ખુરશીઓની સાથે કેટરીંગવાળા કાર્યક્રમ બાદ કોંગ્રેસ કાર્યાલયની પણ 2 ખુરશીઓ લઈ ગયા હતા. ત્યારબાદ સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીએ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર રૂષિન રાયકાને ફોન કર્યો હતો. બાબુ રાયકા અને રુશિન રાયકા બંને પિતા-પુત્ર ધર્મેશ પર ઉશ્કેરાઈ મોબાઈલ ઉપર અપશબ્દ બોલવા લાગ્યા હતા.

બંનેએ ફોન ઉપર ગાળાગાળી કરી ધર્મેશ પાસેથી કોંગ્રેસ કાર્યાલયની ચાવી માંગી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઓડિયો વાયરલ થતા આ મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે ધર્મેશ મિસ્ત્રીને પક્ષમાંથી અનુશાસનહીનતાના કારણે કાઢી મૂકવામાં આવતા મામલો ગરમાયો હતો. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આખરે આ કેસમાં અઠવાલાઇન્સ પોલીસે પિતા-પુત્રની ધરપકડની કાર્યવાહી કરી હતી.