ગુજરાતમાં વેચાય છે ચાઈનીઝ દોરી અને તુક્કલ, આ શહેરમાં ત્રણ વેપારીઓ પકડાયા

જામનગરમાં ગઈકાલે પોલીસે બે દુકાનમાં તેમજ ધ્રોલમાં એક દુકાનમાં દરોડો પાડી ત્યાંથી વેચાણ કરાતા ચાઈનીઝ દોરા, ફીરકી, પતંગ કબજે કરી ત્રણેય વેપારીઓ સામે ગુન્હો નોંધ્યો હતો.

જામનગર સહિત  રાજ્ય અને દેશભરમાં ચાઈનીઝ ચીજવસ્તુઓના વેચાણ સામે ઉઠેલા વિરોધ વચ્ચે આ વર્ષે પણ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરા, પતંગ, તુક્કલ વગેરેના વેચાણ સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અન્ય દોરાઓ કરતા પશુ-પંખી અને માનવો માટે વધુ ઘાતક નિવડતા ચાઈનીઝ દોરા વાપરવામાં ન આવે તે ઈચ્છનીય છે તેમ છતાં કેટલાંક વેપારીઓ ચાઈનીઝ દોરા-તુક્કલનું વેચાણ કરતા હોય જિલ્લા પોલીસવડા દિપન ભદ્રને તેઓની સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.

ગઈકાલે નગરની ખોડિયારકોલોની પાસે આવેલી બ્રાહ્મણ બોર્ડીંગ નજીક ચાઈનીઝ દોરા, માંઝા, તુક્કલનું વેચાણ કરતા કિશનસિંહ શિવસિંહ ચૌહાણની ચાઈનીઝ સામાન સાથે અટકાયત કરી પોલીસે જીપી એક્ટની કલમ ૧૧૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૫૮માં આવેલી સાંઈ બેકર્સ નામની દુકાનમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી પણ ચાઈનીઝ તુક્કલ, દોરા, માંઝા મળી આવ્યા હતાં. દુકાનદાર સુરેશ સેજુમલ જાગીયાણીની અટકાયત કરાઈ છે.

ધ્રોલના ગાંધીચોકમાં આવેલા શ્રીરામ શોપીંગ સેન્ટર સ્થિત સમય જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં પણ આ પ્રકારના દોરા, ફીરકી વેચવામાં આવતા હોવાની બાતમી પરથી ગઈકાલે પોલીસે દરોડો પાડતા ધર્મેશ કાનજીભાઈ દલસાણીયા નામના દુકાનદાર ચાઈનીઝ માલ-સામાન સાથે મળી આવ્યા હતાં. પોલીસે તેમની સામે પણ જીપી એક્ટની કલમ ૧૧૭ હેઠળ કાર્યવાહી કરી છે.