પાટીદારો પ્રત્યેના રાગદ્વેષે ગુજરાત કોંગ્રેસનાં કોફીનમાં પહેલો ખીલો જડી દીધો…

કોંગ્રેસમાં પણ એક સમય એવો હતો કે સ્ટ્રીટ લાઈટનાં થાંભલાને ટીકીટ આપે તો તે પણ જીતી જાય. આજે ભાજપનો આ સમય ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રી પદનાં ઉમેદવારને પ્રોજેક્ટ કરીને ચૂંટણી લડવાની રણનીતિ હતી.કોંગ્રેસ દોમ-દોમ સાહ્યબીમાં મહાલતી હતી. નેતાઓનાં પગ જમીન પર રહેતા ન હતા.

1975માં બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના પ્રથમ ગેરકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. તેઓ વિવિધ પક્ષોના ગઠબંધનથી બનેલા જનતા મોરચા નેતા બન્યા. એક અઠવાડીયા પછી, ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી પણ તેઓ માર્ચ 1976સુધી પદ પર કાયમ રહ્યા. બીજી વખત બાબુભાઈ 1977 થી 1980 સુધી જનતા પાર્ટીના નેતા તરીકે મુખ્યમંત્રી બન્યા. 1979ની મચ્છુ ડેમની હોનારત સમયે તેમણે છ માસ સુધી સઘળું મંત્રીમંડળ અને સરકારી તંત્રને મોરબી ફેરવ્યું હતું.

ચીમનભાઈ પટેલે તે વખતે બાબુભાઈ જશભાઈ પટેલની સરકારને ટેકો આપ્યો હતો. કોંગ્રેસ સાથે નાતો તોડ્યો હતો. ચીમનભાઈ પટેલ તે પહેલાં હિતેન્દ્ર દેસાઈ અને ઘનશ્યામભાઈ ઓઝાનાં મંત્રી મંડળમાં મંત્રી તરીકે રહી ચૂક્યા હતા. 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. તેમણે  1974 સુધી આ પદભાર સંભાળ્યો. 1974માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે ચીમનભાઈને પદ છોડવું પડ્યું. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ તેમણે બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળના જનતા મોરચની સરકારની રચનામાં સહયોગ આપ્યો હતો.

ઈન્દીરા ગાંધીએ 1977માં જ્યાં સુધી ઈમરજન્સી લાદી ન હતી ત્યાં સુધી કોંગ્રેસનો કોઈ વિકલ્પ ન હતો. કોંગ્રેસનું એકહથ્થું શાસન ચાલી રહ્યું હતું. ઈમરજન્સીની આગ ગુજરાત કોંગ્રેસને પણ ભરખી ગઈ અને આ આગમાં સીધી રીતે ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણ રીતે દાઝી ગઈ.

ગુજરાત કોંગ્રેસ માટે ઈમરજન્સીએ પનોતીની શરુઆત કરી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઈમરજન્સી બાદની ચૂંટણીમાં હારી ગયા હતા. બાબુભાઈ જશભાઈ પટેલની સરકારે બતાવી દીધું હતું કે ગુજરાતમાં હવે કોંગ્રેસના વળતા પાણી છે પરંતુ તેવામાં માધવસિંહ સોલંકીનાં હાથમાં કોંગ્રેસની કમાન આવી અને તેમણે ખામ થિયરી અપનાવી. આ ખામ થિયરી એટલે કે KHAM(K એટલે ક્ષત્રિય, H એટલે હરિજન, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ). માધવસિંહ સોલંકીએ 182માંથી 149 સીટ જીતી પણ આ ખામ થિયરીમાંથી એક શબ્દ બાકાત હતો અને તે હતો P.(P એટલે પટેલ-પાટીદાર). ખામમાં પટેલોની બાદબાકી હતી અને પટેલોએ ત્યાર બાદ કોંગ્રેસ શાસનમાં પોતાની જાતને અસલામત અનુભવવા માંડી.

પટેલો માટેનો કોંગ્રેસનો રાગદ્વેષ છૂપો રહ્યો નહીં. આ મામલામાં ગારીયાધારના માનગઢ ખાતેના પટેલ-ક્ષત્રિય ધીંગાણાં વેરની વસુલાતની લોહીયાળ ઘટનાએ ભીષણ સ્થિતિ સર્જી દીધી હતી. આજે ક્ષત્રિય અને પટેલોએ આવી તમામ ધીંગાણાની ઘટના પરના ઘાને ભૂલી સંપની મિસાલ કાયમ કરી છે. પણ કોંગ્રેસ માટે માનગઢની ઘટના કોફીનમાં પ્રથમ ખીલો ઠોકવા સમાન બની હતી. 2017માં વડાપ્રધાન મોદીએ રાજકોટની સભામાં માનગઢની ઘટનાને યાદ કરી હતી.

સુરતમાં માનગઢનાં ધીંગાણીની સ્મૃતિમાં વરાછા રોડ ખાતેના વિસ્તારને માનગઢ ચોક નામ આપવામાં આવ્યું છે. 1984માં સૌરાષ્ટ્રના માનગઢમાં બનેલી ઘટના સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકી હતા.

પટેલ લોબી પાસે જે તે વખતે કોંગ્રેસનો વિકલ્પ ન હતો. રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી. 1980થી 1990ના સમયગાળા દરમિયાન કોંગ્રેસે એક પછી એક મોટી ભૂલો કરવા માંડી. તેમાંય વળી માધવસિંહ સોલંકીએ બક્ષી કમિશનની ભલામણો સ્વીકારી અનામત લાગુ કરવાની જાહેરાત કરતાં ગુજરાતભરમાં અનામત વિરોધી આંદોલન શરુ થયું. આ અનામત વિરોધી આંદોલન કોંગ્રેસ માટે મોટાપાયા પર નુકશાનકારક સાબિત થયું. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે અહેમદ પટેલ હતા. હાઈકમાન્ડે નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો તો ઝીણાભાઈ દરજીએ આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીનું નામ આગળ કર્યું. માધવસિંહના સ્થાને અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા અને કોંગ્રેસની અંદરોઅંદર જ મોટાપ્રમાણમાં ડખા શરુ થયા. કોંગ્રેસ ત્રણ ચોકામાં વહેંચાઈ ગઈ. એક તરફ માધવસિંહ સોલંકી, બીજી તરફ અહેમદ પટેલ અને ત્રીજી તરફ હતા અમરસિંહ ચૌધરી.ૉ

(ક્રમશ:)