સુરત માટે ઐતિહાસિક દિવસ: કોવિડ વેક્સિનનો 93,500 ડોઝનો જથ્થો સુરત આવી પહોંચ્યો

સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે આજે સુરત ખાતે સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની ‘કોવિશિલ્ડ’ વેક્સિન સુરત આવી પહોંચતા આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. સુરત રિજીયનમાં આવતા સુરત મહાનરગપાલિકા, સુરત જિલ્લો, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સામૂહિક ૯૩,૫૦૦ ડોઝનો જથ્થો આજે નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટર ખાતે સ્ટોર કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મંત્રી કાનાણીએ જણાવ્યું હતું કે, આપણી અપેક્ષા, આકાંક્ષાઓ અને આતુરતાનો આજે અંત આવ્યો છે. સ્વદેશી બનાવટની રસી આવી છે તે ગૌરવની વાત હોવાનું જણાવીને રસીથકી કોરોના સામે જંગ લડવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર અને મનપા તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પૂરતા પ્રમાણમાં આઈ.એલ.આર.-(આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર, સ્ટોરેજ કેપેસિટી, વેક્સિનેટર, તાલીમબદ્ધ સ્ટાફ સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. તા.૧૬ મી જાન્યુ.થી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત સુરતમાં પણ રસીકરણ પ્રક્રિયા શરૂ કરાશે.

સુરત મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં રજિસ્ટર્ડ થયેલા સરકારી તેમજ પ્રાઈવેટ હેલ્થકેર વર્કર મળીને ૩૭૦૦૦ જેટલા કર્મચારીઓની પ્રારંભિક ધોરણે તા.૧૬મી જાન્યુઆરીથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ પહેલા તબક્કામાં કોરોના વોરિયર્સ ત્યારબાદ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વયના નાગરિકોને વેકિસન ડોઝ આપવામાં આવશે. છેલ્લા અગિયાર મહિનાથી લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા જેની આતુરતાનો અંત આજે આવ્યો છે એમ મ્યુનિ.કમિશમર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.

કમિશનરે વધુમાં જણાવ્યું કે, પ્રારંભિક તબક્કામાં શહેરના ૨૨ વેક્સિનેશન સેન્ટર પરથી રસીકરણનો શુંભારભ કરાશે. ત્યારબાદ વધુ જથ્થો આવ્યેથી શહેરમાં બનાવવામાં આવેલા ૫૦૮ રસીકરણ કેન્દ્ર પરથી તબક્કાવાર રસીકરણ હાથ ધરાશે. જેમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને રસી આપ્યા બાદ ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને રસી અપાશે. સમગ્ર રસીકરણ અભિયાન માટે ૩૫૦૦ આરોગ્ય કર્મચારીઓને નિયુક્ત કરાયા છે હોવાની વિગતો તેમણે આપી હતી.

જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું કે, જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રસીકરણથી સુરતના નાગરિકોને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે.

આ વેળાએ સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્યસર્વ મુકેશ પટેલ, ઝંખનાબેન પટેલ, અરવિંદ રાણા, વિનુભાઈ મોરડીયા, વિ.ડી.ઝાલાવાડીયા, પ્રવિણ ધોધારી, સંગીતાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી, આરોગ્યના અધિકારી-કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.