જન્મે સ્પેનિશ કર્મે સવાયા ગુજરાતી લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર ફાધર વાલેસનું નિધન, મુખ્યમંત્રી સહિત મહાનુભવોએ આપી શ્રદ્વાંજલિ

ગુજરાતી સાહિત્યની અનન્ય સેવા કરનારા ફાધર કાર્લોસ જી.વાલેસને સવાયા ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ સ્પેનમાં થયો હતો પરંતુ તેઓ કર્મે સવાયા ગુજરાતી હતા. તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી અને કલમભૂમિ પણ બનાવી. 75 પુસ્તકો લખનારા ફાધર વાલેસનું આજે મૂ વતન સ્પેનમાં 75મા વર્ષે નિધન થયું છે. ગુજરાતી સાહિત્યકારોમાં ઘેરા શોકની લાગણી જન્મેલી જોવા મળી રહી છે.

ફાધર વાલેસ ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝોવિયર્સ સ્કૂલમાં ગણિતના વિષયના શિક્ષક તરીકે કરિયર શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે ગુજરાતી સાહિત્યમાં અનેક પુસ્તકોનું યોગદાન આપ્યું છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રકથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ સ્પેન પરત ફર્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર-લેખક ફાધર વોલેસના દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

મુખ્યમંત્રીએ શોકાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે, ફાધર વોલેસ જન્મે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષા સાહિત્યમાં પોતાની લેખની અને પુસ્તકો-નિબંધ-પ્રવાસ વર્ણન દ્વારા સવાયા ગુજરાતી તરીકે એક આગવી છાપ ઉપસાવી હતી.

સદ્દગતના અવસાનથી ગુજરાતી સાહિત્ય-લેખન જગતને મોટી ખોટ પડી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વ. ફાધર વોલેસના આત્માની પરમશાંતિની પ્રાર્થના પણ કરી છે.