કોંગ્રેસના દબાણ હેઠળ નમી ઉદ્ધવ સરકાર, નવો કૃષિ કાયદો લાગુ કરવાનો આદેશ પાછો ખેંચ્યો

કોંગ્રેસે મંત્રીમંડળની બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે બુધવારે ઓગસ્ટ મહિનામાં નવા કૃષિ કાયદો લાગુ કરવાના આદેશને પાછો ખેંચી લીધો હતો.

રાજ્ય સરકારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દ્વારા મહારાષ્ટ્રમાં કૃષિ કાયદાઓને ‘ખેડૂત વિરોધી’ ગણાવ્યા બાદ કૃષિ સુધારણા કાયદાના અમલ અંગે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર મૂંઝવણમાં છે. તાજેતરમાં ભારે વિરોધ વચ્ચે સંસદના બંને ગૃહોમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર રાજ્યમાં કૃષિ સુધારણા કાયદા લાગુ કરશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી શાસિત રાજ્યોની સરકારોને કેન્દ્ર સરકારના ‘કૃષિ વિરોધી કાયદા’ ને નિષ્પ્રભાવી કરવા કાયદો પસાર કરવાની સંભાવના પર વિચાર કરવા જણાવ્યું છે. પાર્ટીના જનરલ સેક્રેટરી, કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં  સોનિયાએ કોંગ્રેસ શાસિત રાજ્યોને બંધારણની કલમ 254 (એ) હેઠળ કાયદો પસાર કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની સલાહ આપી છે.

કેસી વેણુગોપાલે કહ્યું કે અનુચ્છેદ રાજ્યની વિધાનસભાઓને ‘રાજ્યોના અધિકારક્ષેત્રમાં દખલ કરતા કૃષિ વિરોધી અને કેન્દ્રીય કાયદા’ રદ કરવા કાયદાઓ પસાર કરવાની સત્તા આપે છે. નોંધનીય છે કે હાલમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ગઠબંધન સરકારનો ભાગ છે.

વેણુગોપાલે દાવો કર્યો, “રાજ્યના આ પગલાથી ત્રણ કૃષિ કાયદાની અસ્વીકાર્ય અને ખેડૂત વિરોધી જોગવાઈઓને અવગણવામાં આવશે.” આ જોગવાઈઓમાં લઘુતમ ટેકાના ભાવને નાબૂદ કરવા અને કૃષિ પેદાશ માર્કેટિંગ સમિતિઓ (એપીએમસી) ના વિક્ષેપનો સમાવેશ થાય છે. ”

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટે અગાઉ દાવો કર્યો હતો કે ત્રણેય શાસક પક્ષોએ બિલનો વિરોધ કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં પક્ષોએ આ મુદ્દો ઉઠાવવામાં આવનાર હતો.