આટલા કરોડના ખર્ચે નવું સંસદ ભવન બનાવાશે, ટાટા કંપનીને અપાયો કોન્ટ્રાક્ટ

સરકાર નવું સંસદ ભવન બનાવવા માટે તૈયારીઓ કરી રહી છે. ટાટાએ સૌથી નીચુ અનુમાન આપ્યું હોવાથી તે ટેક્નીકલ રાઉન્ડમાં આગળ રહી છે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. સીપીડબલ્યુના ટેંડર અનુસાર આ ભવનના બાંધકામ માટે આશરે 889 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. ટેક્નીકલ રાઉન્ડ માટે ત્રણ કંપનીઓને પસંદ કરવામાં આવી હતી. જોકે બે કંપનીઓએ જ ખર્ચનું અનુમાન રજુ કર્યું હતું. 16, સપ્ટેમ્બર, બુધવારે કંપનીઓએ પોતાના અંદાજપત્રો જમા કરવાના હતા.

એક સીનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં ત્રણ કંપનીઓને પસંદ કરાઇ હતી પણ માત્ર બે જ કંપનીઓએ પોતાનું ખર્ચનું અંદાજપત્ર જમા કરાવ્યું હતું. આગામી કેટલાક દિવસોમાં જે કંપનીને પસંદ કરવામા આવે તેને લેટર ઓફ એવોર્ડ ટુંક સમયમાં સોપવામાં આવશે. તેથી આ ભવનનું બાંધકામ ટુંકમાં જ શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જે કંપની સૌથી નીચુ ટેંડર ભરે તેને જ પસંદ કરવામાં આવશે. જે દ્રષ્ટીએ આ કોન્ટ્રાક્ટ ટાટા કંપનીને સોપવામાં આવે તેવી શક્યતાઓ છે.

જે ત્રણ કંપનીઓ આ કોન્ટ્રાક્ટની રેસમાં હતી તેમાં ટાટા ઉપરાંત લાર્સન એન્ડ ટર્બો અને શાપુરજી પાલોનજી એન્ડ કંપની પ્રા. લિ.નો સમાવેશ થાય છે. જોકે સરકારે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા જેમાં કંપનીઓએ અગાઉ કોઇ એસેમ્બ્લી હોલ બનાવ્યો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષમાં આવુ કામ કરેલું હોય તેવી કંપનીઓને પ્રાથમિક્તા આપવાની હતી. હાલ નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ જે કંપનીને સોપવામાં આવે તેણે 21 મહિનાની અંદર તેને તૈયાર કરી લેવાનું રહેશે. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખવાની રહેશે અને એ પ્રમાણે જ મજૂરોની પાસે કામ કરાવવાનું રહેશે.