ચીન સંબંધે રાજ્યસભામાં આવું બોલ્યા રાજનાથ, સાથે ભારતની મક્કમતા પણ દર્શાવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે ભારચ-ચીન સરહદે હાલની સ્થિતિ અંગે રાજ્યસભાને માહિતી આપી હતી. તેમણે ગુરૂવારે કહ્યું હતું કે ચીને લદાખમાં લગભગ 38 હજાર ચોરસ કિલોમીટર જમીન પર ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. રાજનાથ સિંહે એ સ્પષ્ટ કર્યું હતું કે ચીન સાથે સંબંધો વધારી શકાય અને સરહદે વિવાદ અંગે મંત્રણા પણ થઇ શકે, પરંતુ સરહદે તંગદીલીની અસર સંબંધો પર પડશે. રાજનાથે કહ્યું હતું કે ચીનની ગતિવિધિઓથી એ તો સ્પષ્ટ છે કે તેની કથની અને કરણીમાં અંતર છે. તેમણે કહ્યું હતું કે તેનો પુરાવો એ છે કે વાતચીત છતાં ચીને 29-30 ઓગસ્ટે ઉશ્કેરણીજનક કાર્ય કર્યું હતું.

ભારતીય સૈન્યએ પીપલ્સ લિબરેશન આર્મીને આપયો જોરદાર જવાબ

સંરક્ષણ મંત્રી રાજનાથે સાઇનો-પાકિસ્તાન બાઉન્ડ્રી એગ્રીમેન્ટનો હવાલો આપ્યો જેના હેઠળ પાકિસ્તાને ગેરકાયદે રૂપે 5180 ચોરસ કિલોમીટર ભારતીય જમીન ચીનને આપી દીધી છે. સિંહે કહ્યું હતું કે ચીન અરુણાચલ પ્રદેશમાં 90 હજાર ચોરસ કિલોમીટર જમીન પર પણ દાવો કરે છે. તેમણે કહ્યું હતું કે સરહદે તંગદીલી પહેલા પણ થઇ છે અને એલએસી બાબતે બંને દેશનો મત પણ ભિન્ન છે. મેમાં ચીને ગલવાનમાં ભારતીય સૈન્યનું પેટ્રોલિંગ રોક્યું. ભારતીય સૈન્યએ 15 જૂને ગલવાનમાં પીએલએને જોરદાર જવાબ આપ્યો. જવનોએ આ તમામ ઘટનાઓ દરમિયાન જ્યાં સંયમ દાખવવાનો હતો ત્યાં સંયમ દાખવીને જ્યાં શૌર્યની જરૂર હતી ત્યાં શૌર્ય દાખવ્યું છે.

ચીને સરહદ પરની દ્વિપક્ષિય સમજૂતીઓનો ભંગ કર્યો

રાજનાથે કહ્યું હતું કે ચીને જે પણ કર્યું તે દ્વિપક્ષિય સમજૂતીઓનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું હતું કે ચીને સરહદે જે સૈનિકો એકત્ર કર્યા છેન જે 1993 અને 1996માં થયેલી સમજૂતીઓ વિરુદ્ધ છે.  સરહદી વિસ્તારમાં શાંતિ માટે લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલનું સન્માન ખુબ જરૂરી છે. આપણું સૈન્ય સમજૂતીઓનુું સંપૂર્ણ પાલન કરે છે, પણ ચીન તરફથી એવું નથી થતું, અમે મંત્રણા દ્વારા તમામ મુદ્દાઓ ઉકેલવા માગીએ છીએ.

ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે ભારત

સંરક્ષણ મંત્રીએ રાજ્યસભામાંથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત વાતચીતની તરફેણ કરે છે પણ નીચા નમનારાઓમાંથી નથી. સિંહે કહ્યું હતું કે ચીને સરહદે જવાનોની મોટાપાયે તૈનાતી કરી છે અને દારૂગોળો ભેગો કર્યો છે. ભારતીય સૈન્યએ પણ કાઉન્ટર ડિપ્લોયમેન્ટ કર્યું છે. તેમણે ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતની સુરક્ષા માટે ગમે તેટલા કડક પગલાં ભરવા પડે અમે તે ભરવા માટે તૈયાર છીએ.