ચીનમાં ફોરેસ્ટ ગાર્ડન હાઉસીંગ પ્રોજેક્ટ તૈયાર, પણ આ કારણથી લોકો રહેવા આવતા નથી

રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા નવતર આઇડિયા સાથે હાઉસીંગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે અને એ નવતર આઇડિયા સાથેના પ્રોજેક્ટમાં લોકો હોંશે હોંશે ઘર બુકિંગ પણ કરાવી દે છે પણ આવા નવતર આઇડિયા સાથેના હાઉસીંગ પ્રોજેક્ટમાં પછી કોઇ સમસ્યા અનુભવાય તો એ પ્રોજેક્ટ નવતર હોવા છતાં ત્યાં લોકો રહેવા જતા નથી. આવું જ ચીનના એક શહેરમાં લીલોતરીવાળા ફોરેસ્ટ ગાર્ડન હાઉસીંગ પ્રોજેક્ટ સાથે થયું છે.

ચીનના એક શહેરમાં લીલોતરીવાળા હાઉસિંગ પ્રોજેક્ટમાં જંગલમાં રહેતા હોય તેવો અનુભવ આપવાની ખાતરી  સાથે તૈયાર કરવામાં આવ્યો હતો, તેની ખાસ વિશેષતા એ હતી કે આ પ્રોજેક્ટમાં ‘ઊભા જંગલ’નો એહસાસ થાય છે, તેમાં દરેક ફ્લેટની બાલ્કનીમાં એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને તેના કારણે તમને જંગલની વચ્ચે રહેવાનો અનુભવ મળી શકે છે.

પ્રોજેક્ટના એસ્ટેટ એજન્ટ મુજબ તમામ 826 એપાર્ટમેન્ટ્સ આ વર્ષના એપ્રિલ મહિના સુધી વેચાઈ ગયા હતા પણ પર્યાવરણથી સમૃદ્ધ આધુનિક સ્વર્ગની જગ્યાએ તેના ટાવર વેરાન લાગી રહ્યા છે. માત્ર અમુક પરિવારો જ તેંગડુના ક્યુયી સિટી ફોરેસ્ટ ગાર્ડનમાં રહેવા આવ્યા છે, લીલોતરીના કારણ અહીં મોટી સંખ્યામાં મચ્છરોનો ત્રાસ છે એટલે લોકો અહીં રહેવાનું ટાળી રહ્યા છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટનું નિર્માણ વર્ષ 2018માં થયું હતું જેમાં દરેક બાલ્કનીની ડિઝાઈન એ રીતે બનાવવામાં આવી હતી જેમાં છોડ વિગેરે ઉગી શકે. આ પ્રોજેક્ટની 8 ઈમારતોમાં કોઈ રહેવા આવ્યું નથી અને તેના છોડની દેખરેખ કરવાવાળું કોઈ નથી. તસવીરોમાં દેખાય છે કે છોડ આડેધડ વધી ગયા છે અને આખા ટાવરમાં તેની ડાળખીઓ લટકી રહી છે.