રિયાલિટી શોઝમાં હવે રિયાલિટી નથી : હિના ખાને ‘બિગ બોસ’નો ભાંડો ફોડી નાંખ્યો

ટેલિવિઝન અભિનેત્રા હિના ખાને સલમાન ખાન દ્વારા જેનું સંચાલન થાય છે તે રિયાલિટી શો ‘બિગ બોસ’નો ભાંડો ફોડી નાંખતા કહ્યું હતુ્ં કે બધુ જ સ્ક્રિપ્ટેડ હોય છે, માત્ર લોકોની વર્તણૂંક જ નહીં પણ કોણે કેવું રિએક્શન આપવું તે પણ એડિટ ટેબલ પર જ નક્કી કરવામાં આવે છે. તેણે કહ્યું હતું કે રિયાલિટી શોઝમાં હવે રિયાલિટી જેવું કંઇ રહ્યું નથી. હિના ખાન અત્યાર સુધી બે હિટ રિયાલિટી શોનો હિસ્સો રહી ચુકી છે અને તેમાંથી એક બિગ બોસ છે.

તેણે કહ્યું હતું કે હું અત્યાર સુધી બે મોટા રિયાલિટી શો બિગ બોસ અને ખતરોં કે ખિલાડી કરી ચુકી છું, પણ સાચું કહું તો રિયાલિટી શોમાં હવે રિયાલિટી નામની કોઇ વસ્તુ હોતી નથી. હવેના રિયાલિટી શો  પહેલાથી ક્રિએટ કરવામાં આવે છે. દરેક સિચ્યુએશનને ઊભી કરવામાં આવે છે અને એ સિચ્યુએશન પર કોણ કેવી પ્રતિક્રિયા આપશે તે પણ નક્કી કરવામાં આવે છે. વિશ્વાસ રાખો, દરેક બાબતનો નિર્ણય શોના એડિટ ટેબલ પર કરવામાં આવે છે. આ જ કારણે હવે મને રિયાલિટી શોમાં રસ રહ્યો નથી.

તેણે પોતાના અંગે વાત કરતાં કહ્યું હતુેં કે મેં મારી કેરિયરમાં ઘણાં રિસ્ક લીધા છે અને તેના માટે મને મારા ખુદ પર ગર્વ છે. ટેલિવિઝનથી લઇને ફિલ્મ્સ સુધી વેબ સીરિઝથી લઇને શોર્ટ ફિલ્મ સુધી, હું અત્યાર સુધીના લગભગ તમામ માધ્યમ સાથે જોડાઇ ચુકી છું અને તેને ઘણો સારો રિસ્પોન્સ પણ મળ્યો. સાચુ કહું તો હું ક્યારેય ટેલિવિઝનથી દૂર જવા માગતી નથી. ટેલિવિઝન પર જ મારી કેરિયર શરૂ થઇ હતી અને આગળ જતાં પણ જો સારા પ્રોજેક્ટ મળશે તો આ માધ્યમ પર કામ ચોક્કસ ચાલુ રાખીશ.