વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયા આટલા કરોડ કમાયું, શ્રમિક સ્પેશિયલથી રેલવેએ પણ આટલા કરોડ ભેગા કર્યા

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ રાજ્યસભાને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટ સુધી વંદે ભારત મિશન હેઠળ સંચાલિત ફ્લાઇટ્સથી એર ઇન્ડિયાને રૂ. 2556.60 કરોડની આવક થઈ છે. ઉપરાંત રેલવે મંત્રાલયે બુધવારે સંસદને માહિતી આપી હતી કે 1 મેથી રાજ્ય સરકારો અને તેમના પ્રતિનિધિઓ પાસેથી 4,621 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે ભાડા રૂપે રૂ. 433 કરોડની રકમ એકઠી કરવામાં આવી છે.

લોકસભામાં એક લેખિત જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, 1 મેથી 31 ઓગસ્ટની વચ્ચે 4,621 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 63.19 લાખ મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા હતા. કોરોનાવાયરસ રોગચાળાને કારણે 23 માર્ચથી ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. જો કે, કેન્દ્ર સરકારે જુદી જુદી દેશોમાં ફસાયેલા લોકોને વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા તેમના સ્થળો સુધી પહોંચવામાં મદદ માટે મિશનની શરૂઆત 6 મેથી કરી હતી.

પુરીએ રાજ્ય સભાના એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટ સુધીમાં એર ઇન્ડિયા જૂથ દ્વારા હાથ ધરવામાં આવેલી ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ વિશેષ પરત ફ્લાઇટ્સની કુલ સંખ્યા 4505 હતી. પ્રધાને જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ સુધીમાં પાછા ફરનારા કુલ 11 લાખ ભારતીય નાગરિકોમાંથી એર ઇન્ડિયા જૂથ દ્વારા લગભગ ચાર લાખ મુસાફરોને ભારત લઈ જવામાં આવ્યા હતા.