એક મહિનામાં શાકભાજીના ભાવ થયા બમણાઃ ટમેટાના ભાવ પહોંચ્યા અસામાને

દેશમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ મોંઘવારી વધારી રહ્યા છે. હવે ટમેનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

દેશમાં એક બાજુ કોરોનાનું સંકટ તો બીજી બાજુ જીવનજરૃરી વસ્તુઓના ભાવ આસમાનને આંબી ગયા છે. સામાન્ય માણસનું તો જીવવું દુષ્કર બની ગયું છે. પડતા પર પાટુ હોય તેમ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતા અને મોંઘવારીએ ભરડો લેતા રસોડાનું બજેટ બગાડ્યું છે, કારણ કે મોટાભાગના રોજિંદા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શાકભાજી, બટેટા, ડુંગળી અને ટમેટાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટમેટાના ભાવ તો પ્રતિકિલો ૧૦૦ રૃપિયા સુધી પહોંચી ગયા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે કોલકાતામાં ટમેટાના છૂટક ભાવ પ્રતિકિલો ૧૦૦ રૃપિયા નોંધાયા હતા. સપ્ટેમ્બર દરમિયાન કોલકાતામાં ટમેટાના ભાવમાં પ્રતિકિલો રૃા. ૪૦ નો વધારો થયો છે. અન્ય શહેરોની વાત કરીએ તો ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં ભાવ ૬૩ રૃપિયા પ્રતિકિલો હતો. મુંબઈ અને પટણામાં ૬પ રૃપિયા પ્રતિકિલો, લખનૌમાં ૭૦ રૃપિયા કિલો અને ગુરુગ્રામ, સિમલા અને લુધિયાણામાં ૬૦ રૃપિયા પ્રતિકિલો. મોટા શહેરમાં આ જ હાલ છે.

માત્ર ટમેટા જ નહીં, બટેટા અને ડુંગળીના ભાવ પણ સતત વધી રહ્યા છે. બટેટાની વાત કરીએ તો, મોટાભાગના સ્થળોએ કિંમત ૩પ-૪૦ રૃપિયા છે અને કેટલાક સ્થળોએ કિલોદીઠ ભાવ ૪પ રૃપિયા પર પહોંચી ગયા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં બટેટાની છૂટક કિંમત ૩૭ રૃપિયા હતી. ગુરુગ્રામમાં ૩પ રૃપિયા, સિમલામાં ૪પ રૃપિયા, લુધિયાણામાં ૪૦ રૃપિયા, મુંબઈમાં ૪૪ રૃપિયા, પટનામાં ૩૬ રૃપિયા અને કોલકાતામાં ૩ર રૃપિયા નોંધાયા છે.

બટેટા અને ટમેટાની જેમ ડુંગળી પણ રડાવી રહી છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે કાંદાના ભાવ વધીને કિલો ૩૧ રૃપિયા પ્રતિકિલો થઈ ગયા છે. ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. વરસાદને કારણે મંડીઓમાં શાકભાજીની સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ ઉપરાંત કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવોમાં એકપક્ષીય વૃદ્ધિ થઈ છે, જેના કારણે મંડીઓમાં શાકભાજીના પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને આ વધારાના ખર્ચની અસર શાકભાજીના ભાવમાં પણ પડી રહી છે.