અમિતાભ બચ્ચનનાં ઘરની બહાર સુરક્ષા વધારાઈ, જયા બચ્ચનનાં સ્ટેટમેન્ટ બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સંસદમાં જયા બચ્ચનના નિવેદન બાદ બિગ બીના ઘરની બહારની સલામતી વધુ મજબૂત બનાવવામાં આવી છે. હકીકતમાં, જયા બચ્ચનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અમિતાભ બચ્ચન અને તેના પરિવાર પર જે રીતે ટિપ્પણી કરી રહ્યા છે તેના કારણે તેમના ઘરની બહારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસ દ્વારા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના તેમના ઘરની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનના મુદ્દે જયા બચ્ચને સંસદમાં કહ્યું હતું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની છબિને દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પછી, મુંબઈ પોલીસ દ્વારા જુહુમાં તેમના બંગલા ‘જલસા’ ની બહાર વધારાની સુરક્ષા આપવામાં આવી છે.

હકીકતમાં, ગોરખપુરના ભાજપનાં સાંસદ રવિ કિશને સંસદના ચોમાસા સત્રના પહેલા દિવસે દેશ અને બોલિવૂડમાં ડ્રગ્સનો વધારાનો ઉપયોગ અને દાણચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં માદક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ વધારે છે. ઘણા લોકો પકડાયા છે. એનસીબી એક સરસ કામ કરી રહ્યું છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે આ અંગે કડક પગલા લેવામાં આવે, ગુનેગારોને વહેલી તકે પકડી શિક્ષા કરવામાં આવે જેથી પડોશી દેશોનું કાવતરું ખતમ થઈ શકે.

રવિ કિશનના આ નિવેદન પર જયા બચ્ચને મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે ગઈકાલે અમારા એક સંસદ સભ્યએ લોકસભામાં બોલિવૂડની વિરુદ્ધ કહ્યું હતું. તે શરમજનક છે. હું કોઈનું નામ નથી લઈ રહી. તેઓ પોતે પણ ઉદ્યોગમાંથી આવે છે. તેઓ થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડી રહ્યા છે.