ગુજરાતમાં શાળાઓ દિવાળી સુધી બંધ જ રહેશેઃ શિક્ષણ મંત્રી

ગુજરાતમાં શાળાઓ દિવાળી સુધી ખૂલશે નહીં, અને કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ દિવાળી સુધી શાળાઓ બંધ જ રાખવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે કેન્દ્રની આ અંગેની ગાઈડલાઈન મરજિયાત છે. આ માહિતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી છે.

રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં વાલીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારપછી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે, પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજિયાત છે.

કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં, તે સવાલનો આજે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી પછી જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૃ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી પછી રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૃ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલોકની નવી ગાઈડલાઈનમાં ર૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજુરી આપી હતી. જેમાં ધોરણ ૯-૧ર ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઈન એજ્યુકેશન માટે પણ શાળાઓ પ૦ ટકા સ્ટાફ બોલાવી શકશે, પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી એટલે કે ૧પ માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા પછી ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. આમ રાજ્યમાં છેલ્લા ૬ મહિનાથી સ્કૂલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પાંચ દિવસ સુધી મળશે, જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે બેઠકો યોજાશે. સત્ર દરમિયાન ર૪ વિધેયકો રજૂ થશે. આજે વિધાનસભાના અધ્યક્ષે વ્યવસ્થાઓનું સ્વયં નિરીક્ષણ કર્યું હતું.