છપરા-સુરત, અમદાવાદ-પટણા સહિત 20 જોડી ક્લોન ટ્રેન 21મીથી રેલવે દોડાવશે, જાણો બીજી ટ્રેનો કઇ

રેલવેએ મંગળવારે કહ્યું હતું કે 21 સપ્ટેમ્બરથી છપરા-સુરત, અમદાવાદ-પટણા સહિત 20 જોડી ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે, તેમાંથી મોટાભાગની બિહાર જતી અથવા ત્યાંથી આવતી ટ્રેન હશે. આમાંથી 19 જોડી ટ્રેન માટે હમસફર એક્સપ્રેસનું ભાડું વસુલવામાં આવશે. જ્યારે લખનઉથી દિલ્હી વચ્ચેની ક્લોન ટ્રે્નનું ભાડું જનશતાબ્દી એક્સપ્રેસના ભાડાં જેટલું હશે.

આ ટ્રેન માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો 10 દિવસનો હશે અને બુકિંગ 19 સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 વાગ્યે ખુલશે. તાજેતરમાં મીડિયા બ્રિફિંગમાં રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે કહ્યું હતું કે આ ટ્રેન એ માર્ગો પર ચાલશે જ્યાં ટિકિટનું વેઇટિંગ લિસ્ટ લાંબુ હોય અથવા તો જ્યાં માગ વધુ હોય, કે જેથી એવી ટિકિટ ધરાવતા મુસાફરો પ્રવાસ કરી શકે. રેલવેએ કહ્યું હતું કે આ ટ્રેન પહેલાથી દોડતી 310 સ્પેશિયલ ટ્રેન ઉપરાંતની હશે.

19 જોડી હમસફર એક્સપ્રેસમાં 18 કોચ રાખવામાં આવશે, જ્યારે લખનો-દિલ્હી ટ્રેનમાં 22 કોચ હશે. આ ટ્રેનમાંથી 10 ટ્રેન (5 જોડી) બિહાર અને દિલ્હી વચ્ચે મધ્ય-પૂર્વ રેલવે દોડાવશે. આ ટ્રેન બિહારના સહારસા, રાજેન્દ્ર નગર, રાજગીર, દરભંગા અને મુઝફ્ફરપુરથી ઉપડશે અથવા ત્યાં પૂર્ણ થશે. ઉત્તરપૂર્વ ફ્રન્ટીયર રેલવે દ્વારા સંચાલિત થનારી બે ટ્રેન પણ બિહારથી જ છે, જેમાં કટિહારથી દિલ્હી અને ત્યાંથી પરત કટિહારની છે.

પશ્ચિમ રેલવે 5 જોડી ટ્રેન દોડાવશે, જેમાં બિહારના દરભંગાથી ગુજરાતના અમદાવાદ, છપરાથી સુરત, અમદાવાદ-પટણા, દિલ્હી-ગુજરાત, મુંબઇ-પંજાબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રેલવે દ્વારા ગોવા-દિલ્હી, કર્ણાટક-બિહાર અને કર્ણાટક-દિલ્હી વચ્ચે ત્રણ જોડી ટ્રેન દોડાવાશે. ઉત્તર રેલવે પાંચ જોડી આવી ટ્રેન દોડાવશે, જે દિલ્હી-બિહાર વચ્ચે, પશ્ચિમ બંગાળથી દિલ્હી, પંજાબથી પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશથી દિલ્હી સહિતની કેટલીક ટ્રેનો તેમાં સામેલ છે.