6 મહિનામાં ભારત-ચીન સરહદ પર કોઈ ઘુસણખોરી નહીં, પાક સરહદથી 47 વાર પ્રયાસ : મોદી સરકાર

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની સરહદ વિવાદને લઈને છેલ્લા ચાર મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવ સર્જાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સરહદ પર બંને દેશોના સૈન્ય વચ્ચે હવાઈ ફાયરિંગથી લઈને હિંસક અથડામણ સુધીની ભીષણ ટક્કર થઈ રહી છે. દરમિયાન, મોદી સરકારે બુધવારે સંસદમાં કહ્યું છે કે, છેલ્લા 6 મહિનામાં ભારત-ચીન સરહદ પર કોઈ ઘુસણખોરી થઈ નથી.

બુધવારે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ માહિતી આપી. નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરહદ પર ઘૂસણખોરી અટકાવવા સરકારે અનેક પગલા લીધા છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર બોર્ડર ફેન્સીંગ, ઈન્ટેલિજન્સ, ઓપરેશનલ કો-ઓર્ડિનેશન સહિતના ઘણા મુદ્દાઓએ પાકિસ્તાનથી ઘુસણખોરી અટકાવી છે.

એક તારાંકિત સવાલના લેખિત જવાબમાં ગૃહ મંત્રાલયે ભારતની પાકિસ્તાન સાથેની સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસો અંગે પણ માહિતી આપી છે. આ પ્રમાણે સરકારે કહ્યું છે કે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઘૂસણખોરીના 47 પ્રયાસો થયા છે.

સરકાર દ્વારા જારી કરાયેલા લેખિત જવાબ મુજબ, ફેબ્રુઆરીમાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક પણ ઘુસણખોરીનો પ્રયાસ થયો નથી. માર્ચમાં ઘુસણખોરીના ચાર પ્રયાસો થયા હતા, એપ્રિલમાં 24, મેમાં 8 અને જુલાઈમાં 11. જોકે જૂનમાં કોઈ ઘટના નોંધાઈ નથી. જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે.